જૂનાગઢઃ ઓક્ટોબરથી ગીરનું અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે જ એશિયાઈ સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સિંહોને પજવણીનો વીડિયો ૧૫મી ઓક્ટોબરે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને કડક પગલાં લેવાની માગ કરતા જંગલ ખાતું જાગી ઉઠ્યું હતું. પરિમલ નથવાણીએ ૧૫મીએ બપોરે ૩.૫૧ મિનિટે બાવન મિનિટનો એક વાઈરલ વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં કેટલાક જીવતા પશુનું મારણ મૂકીને સિંહને લલચાવતા હતા. સિંહ મારણ કરે ત્યારે કેટલાક મોબાઈલ, કેમેરા, ટેબ્લેટ લઈને ફોટો-વીડિયો, સેલ્ફી ઉતારે છે.
પરિમલ નથવાણીએ ટ્વિટ કર્યું હતું કે, સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો ગીરમાં સિંહોનાં ગેરકાયદેસર વીડિયો લેતા જોવાથી નિરાશ થવાય છે. આ સંપૂર્ણ રીતે સિંહ સંરક્ષણની ભાવના વિરુદ્ધ છે. હું આશા રાખું છું કે દોષિતોને પકડી લીધા હશે અને સજા કરાશે. આ અંગે સીસીએફએ જણાવ્યું કે, આ વીડિયો અંગે તુરંત તપાસ કરાવીને આ સ્થળ અને ઈસમોને ઓળખી લેવામાં આવ્યા છે.