ગાંધીનગર: એશિયાટિક લાયનના રહેઠાણ ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. ગુજરાત વન વિભાગે તાજેતરમાં સિંહોની વસ્તીનાં આંકડા જાહેર કર્યાં હતાં એ પ્રમાણે અત્યારે ગીરમાં અંદાજે ૬૭૪ સિંહ છે. ૨૦૧૫માં છેલ્લી ગણતરી થઈ ત્યારે ૫૨૩ વનરાજ નોંધાયા હતા. એટલે કે પાંચ વર્ષમાં ૨૮.૮૭ ટકા જેવો માતબર વધારો નોંધાયો છે.
સામાન્ય રીતે ગીરમાં દર પાંચ વર્ષે સિંહોની ગણતરી થાય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે પરંપરાગત ગણતરી પ્રક્રિયા મુશ્કેલ હતી. તેથી વન વિભાગે પૂનમ અવલોકન નામની પદ્ધતિ અપનાવી હતી. એ પછી સિંહોની સંખ્યાનો અંદાજ ગુજરાતના ચિફ વાઈલ્ડ લાઈફ વોર્ડને રજૂ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ટ્વિટ કરીને ગુજરાતને અભિનંદન આપ્યા હતા. તેમણે ખાસ લખ્યું હતું કે, સિંહોની સંખ્યામાં વધારો સ્થાનિક લોકોનાં સહયોગને કારણે થયો છે. કેમ કે ગીરમાં રહેતા માલધારી અને ગામવાસીઓ સિંહ સાથે મળીને રહે છે. તેના પરિણામે જ સિંહોની વસ્તી સતત વધતી રહે છે. એશિયામાં માત્ર ગીરમાં જોવા મળતાં સિંહોની સંખ્યામાં વધારા સાથે તેની જાળવણી કરવાની ગુજરાત સરકારની જવાબદારી પણ વધી ગઈ છે.
૨૯ ટકાનો વધારો એ નોંધપાત્ર છે કેમ કે આ પહેલાં ૨૦૧૫માં ૨૭ ટકા વધારો નોંધાયો હતો. ગણતરી પ્રક્રિયા દરમિયાન વન વિભાગે સિંહોની સંખ્યા, તેની હર-ફરનો વિસ્તાર, રેડિયો કોલર પહેરાવ્યા હોય તેના નંબર, તસવીરો વગેરે વિગતો એકઠી કરી હતી. આ સિંહોમાં પુખ્ત વયના ૧૬૧ નર અને ૨૬૦ માદા સિંહો નોંધાયા છે. જ્યારે ૪૫ નર અને ૪૯ માદા પાઠડા (યુવાનીમાં પ્રવેશી રહેલા વનરાજો) નોંધાયા છે. એ સિવાય ૧૩૭ બચ્ચાં છે અને ૨૨ વણઓળખાયેલા સિંહો છે.
ગણતરી માટે વન વિભાગે કુલ નવ જિલ્લાના તમામ ૧૩ ડિવિઝનનું જંગલ પગ તળે કર્યું હતું. ૫મી અને ૬ઠ્ઠી જૂનના ૨૪ કલાક દરમિયાન અવલોકન કામગીરી કરાઈ હતી અને ૧૪૦૦ જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા.
પાંચ વર્ષ પહેલા સિંહો અંદાજે ૨૨ હજાર ચોરસ કિલોમીટરમાં વિચરતા હતા જે હવે વધીને ૩૦ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યા છે. આ પરથી કહી શકાય કે સિંહ વિસ્તાર પણ ૩૬ ટકા વધ્યો છે. સિંહનું સત્તાવાર જંગલ તો ૧૫૦૦ ચોરસ કિલોમીટર કરતાં ઓછું છે, પરંતુ વનરાજોએ પોતાનો વિસ્તાર પોતાની મેળે મેળવી લીધો છે.
ગણતરીમાં ગરબડની શંકા
તાજેતરમાં જ ધારી ગીર પૂર્વમાં ૩૦ જેટલા સિંહો ભેદી રોગ અથવા બેબસીયાના કારણે મૃત્યુ પામ્યા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ૭૦ જેટલા સિંહો મોતને ભેટયાનો આક્ષેપ કર્યો હતો. દલખાણીયા રેન્જમાં ૨૦૧૮માં કેનાઈન વાઈરસના કારણે ૩૦થી વધુ સિંહો મોતને ભેટયા હતા અને બાકીના સિંહોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જેને જંગલમાં મુક્ત કરાયા નથી.
દલખાણીયા રેન્જમાં ૧૦૦થી વધારે સિંહો હતા. હાલમાં અહીં માત્ર ૨૦થી ૨૫ સિંહો જ છે. આમ એક જ રેન્જમાં આટલી માત્રામાં સિંહો ઘટયા છે અને અન્ય રેન્જમાં પણ ઘટાડો નોંધાયો નથી. જેથી વન્યપ્રાણી પ્રેમીઓને વન વિભાગે જાહેર કરેલા આંકડા ગળે ઉતરતા નથી. કારણ કે આ આંકડો વાસ્તવિક નથી અને આવ અવલોકન પ્રથમથી જ શંકાના દાયરામાં તથા વનવિભાગની પીઠ થપથપાવવાના પ્રયાસો હોવાનું કહેવાનું હતું. જે આ આંકડા બાદ સાબિત થયું છે.
સિંહોની વસ્તી અને વિસ્તારમાં વધારો
વર્ષ વસ્તી
૧૯૯૦ ૨૮૪
૧૯૯૫ ૩૦૪
૨૦૦૦ ૩૨૭
૨૦૦૫ ૩૫૯
૨૦૧૦ ૪૧૧
૨૦૧૫ ૫૨૩
૨૦૨૦ ૬૭૪