ધોરાજીઃ ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન, જાહેર વાહનો કે ખાનગી વાહનો પણ બંધ થતાં બાળકો સાથે મોટરસાઈકલ મારફત પોતાના વતન આવ્યાં હતાં. ધોરાજી પાસે જેતપુર રોડ સરદાર ચોક ખાતે આવા દંપતીઓ કે પરિવારોને રોકીને પોલીસે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે ધોરાજી, જૂનાગઢ, માણાવદર વગેરેમાં રહેતાં તેમનાં પરિવારજનોને ચિંતા ન થાય તે માટે તેઓ મોટરસાઈકલ મારફતે જ પહોંચ્યા છે.
એ પછી પોલીસે તેઓનાં નામ નોંધી તેમને ચા નાસ્તો કરાવ્યાં અને ધોરાજી સરકારી હોસ્પિટલે તેમનાં મેડિકલ ચેકઅપ પણ કરાવાયાં હતાં. આ પરિવારોએ જણાવ્યું કે, તમામ જગ્યાએ પોલીસે સહકાર આપ્યો હતો.