સુરતઃ એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે. ૨૫મી જૂને રાજ્યમાં આંતરરાજ્ય એર કનેક્ટિવિટીનો વિધિવત પ્રારંભ રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરાયો હતો. સુરતીઓ વીસ મિનિટમાં ભાવનગર અને અડધો કલાકમાં રાજકોટ પહોંચી શકશે. સુરતથી ભાવનગર વચ્ચે શરૂ થયેલી ફ્લાઈટની ટિકિટની કિંમત રૂ. ચાર હજાર હોવાનું પ્રમોટર્સે જણાવ્યું હતું.
અગાઉ હીરા ઉદ્યોગકારોએ વેન્ચુરા એરલાઈન્સની શરૂઆત કરી હતી, પરંતુ પછીથી એરલાઈન્સ બંધ થઈ હતી. જોકે, રાજ્ય સરકારે કેન્દ્રની મંજૂરી લઈને આંતરરાજ્ય એર કનેક્ટિવિટી શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડયાં હતાં. આ ટેન્ડર સુરત સ્થિત વેન્ચુરા એરકનેક્ટ પ્રા. લિ.નાં ફાળે ગયું છે. હવે ૨૫મીએ રાજ્યના નાણા પ્રધાને સુરતથી ભાવનગર, રાજકોટને જોડતી ફલાઈટને લીલી ઝંડી આપી હતી.
નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સુરતથી અમદાવાદ, કંડલાને જોડતી કનેક્ટિવિટી શરૂ કરવાની પણ સરકારની યોજના છે. જોકે રાજકોટ, અમદાવાદ, કંડલાનાં ભાડાં અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વેન્ચુરા એર કનેક્ટિવિટી શરૂ કરવા પાછળ સુરતના ઉદ્યોગ સાહસિકોનો મોટો ફાળો છે. જેમાં ટોચનાં હીરાઉદ્યોગ સાહસિકો ગોવિંદ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, લવજી બાદશાહનો સમાવેશ થાય છે.
ઉદ્ઘાટન પ્રસંગે નાણા પ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે, આંતરરાજ્ય ઍર કનેક્ટિવિટીમાં વધારો થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ટુરિઝમ અને મોટા શહેરના ઉદ્યોગોને ધ્યાને રાખીને રાજ્યમાં સાત જગ્યાએ એરપોર્ટની સુવિધા ઊભી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પાલિતાણા, અંબાજી, દ્વારકા, મોરબી તેમજ અંકલેશ્વરનો પણ સમાવેશ થાય છે. આંતરરાજ્ય ઍર કનેક્ટિવિટી વધે તે માટે સંચાલન ગુડસટ કંપની દ્વારા થશે. સરકાર ધારાધોરણના આધારે સબસિડી આપશે. જેનાથી વિસ્તારના વિકાસની સાથે રોજગારીનું પણ સર્જન થશે. તેમણે ઉમેર્યું હતું કે, એરક્રાફ્ટનાં મેન્ટેનન્સ માટે રાજ્યમાં વિવિધ કોર્સ પણ શરૂ કરવામાં આવશે.