ગોંડલઃ લશ્કરમાં ફરજ બજાવ્યા બાદ સરપંચ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકાના મેસપર ગામની ૨૦ વર્ષ જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવી દીધો. ૧૯૯૪માં સૈન્યનિવૃત્તિ બાદ રાજેન્દ્રસિંહ ગામમાં આવ્યા ત્યારે ગામમાં પીવાના પાણીની તંગી હતી અને પાણીની અછતને કારણે લોકો હિજરત કરવા લાગ્યા હતા. સરકારી ટેન્કરોથી પીવાનું પાણી મળતું હતું. તેમણે જોયું કે, વરસાદી પાણી વહી જતું હોવાથી ગામમાં ચોમાસું પૂરું થાય સાથે પાણીની સમસ્યા શરૂ થતી હતી. ચોમાસાની એક સિઝન ખેડૂત લઈ શકતો હતો. ત્યારબાદ પીવાનું પાણી પણ મહામુસીબતે મળતું હતું.
તેમને જાણવા મળ્યું કે, સરકારની વોટરશેડ યોજનાને કારણે જામકંડોરણાના મેઘવાડ ગામે ચેકડેમ બનાવાયા હતા અને તેનાથી પાણીની સમસ્યા દૂર થઈ શકે તેમ હતી. આથી તેમણે ત્યાં જઈને સમગ્ર યોજનાનો અભ્યાસ કર્યો અને તેને ત્યાં લાગુ કરવા પ્રયાસ હાથ ધર્યા.
શરૂઆતમાં તો ગ્રામજનોને શંકા હતી કે સંઘ કાશીએ પહોંચશે કે કેમ?, પણ ધીમેધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. ૨૦૦૩માં તેમણે સૌ પહેલો ચેકડેમ બનાવ્યો. તેનાથી ફાયદો થતાં ગ્રામજનોનો સહકાર મળવા લાગ્યો અને આજે વર્ષ ૨૦૧૬માં ગામમાં કુલ ૫૦ ચેકડેમ બની ગયા છે. ગામની પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. અગાઉ પાણી ૭૦ ફૂટે મળતું હતું. હવે ૩૦-૩૫ ફૂટે પાણી આવી જાય છે.
સિંચાઇ માટે પાણી તળે તેથી કાઢિયા બનાવ્યા
ચેકડેમોની યોજના સફળ બન્યા પછી હવે રાજેન્દ્રસિંહ અને ગામના મોભીઓએ ભેગા મળીને એક નવી યોજના શરૂ કરી છે. ખેતર-વાડીમાં વરસાદી પાણી સચવાઈ રહે તે માટે ખેતરમાં કાઢિયા બનાવવાના શરૂ કર્યા છે. ચોમાસામાં ખેતરમાં પાણીનો સંગ્રહ થાય પછી ખેતીકામ વખતે કાઢિયા ખોલી નંખાય. આ પદ્ધતિને કારણે મેસપરના ખેડૂતો પાકની ત્રણેય સિઝન લે છે. રાજેન્દ્રસિંહે ગામમાં વનીકરણ કરી બે હજાર લીમડાં પણ ઉછેર્યાં છે. તેથી એક સમયે ઉજ્જડ દેખાતું ગામ આજે લીલુંછમ્મ છે.