ઉનાઃ ગીરગઢડા પંથકમાં જુલાઈના બીજા પખવાડિયાના પ્રારંભથી સતત વરસાદ વરસી રહ્યો હતો. ૨૨મીએ ત્રણ દિવસથી અનરાધાર વરસાદથી ત્રાહિમામ સોખડા પાણીમાં ડૂબી ગયું હતું. એક ગામથી બીજા ગામ જવું પણ મુશ્કેલ હતું. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા અને અનાજથી લઇ ખાવા પીવાની ચીજવસ્તુઓ, ગોદડા- ગાદલા પલળી જતાં સતત ૩ દિવસ સુધી ગામ આખી રાત ઉજાગરા કરવા પડ્યા હતા. એટલું નહીં કોઇ જમ્યું પણ ન હતું કારણકે ઘરમાં ચૂલા સળગે એવી સ્થિતિ જ ન હતી. ગામમાં અમુક લોકો તો છત પર રહ્યા જેમાં એક દંપતી તો પોતાના ઘરની છત પર બે દિવસ રહ્યા હતા. સોખડાના આગેવાન અરજણભાઇ પટેલે કહ્યું કે, જીવાભાઇ સોલકી અને તેના પત્નીનાં બે દિવસ અને બે રાત છત પર બેઠા જ રહ્યા હતા. સોખડા ગામના પુનાભાઇ વાજાએ જણાવ્યું કે આવો વરસાદ મેં ક્યારેય જોયો નથી. હું વાડીએ હતો અને રૂમમાંથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોઈ હું રૂમના મોભ પર ખાટલો બાંધી બે દિવસ સુધી ભુખ્યો તરસ્યો બેસી રહ્યો અને થોડુ પાણી ઓસરતા માંડમાડ વાડીએથી ઘરે પહોંચ્યો હતો.