રાજકોટઃ કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના ધોરણે શરૂ થવા જઈ રહ્યું છે. એસોસીએશન દ્વારા બે વર્ષથી ચાલી રહેલા પ્રયાસ સફળ રહ્યા છે.
સમગ્ર દેશમાં જ્વેલરી નિર્માણ માટે આવા પાંચ સામાન્ય સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે, જેમાં ગુજરાતમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હોવાનું અને આ કેન્દ્ર દિવાનપરા ખાતે ટૂંક સમયમાં કાર્યરત થશે તેમ એક અહેવાલમાં જણાવાયું હતું. ગુજરાતમાં હાલ હીરાના દાગીના માટે ૪ સીએફસી (અમરેલી, પાલનપુર, વિસનગર, જૂનાગઢ) કાર્યરત છે. રાજકોટ શહેર અને આસપાસ નાના અને મધ્યમ જ્વેલરી ઉત્પાદકો માટે સીએફસી આશીર્વાદરૂપ બની રહેશે. આ કેન્દ્રમાં સોના અને ચાંદીના ઘરેણાં બનાવવા માટે જરૂરી મશીનરી-ઉપકરણો જગ્યા તથા સેવાઓ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાજબી દરે ઉપલબ્ધ થશે. જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે કાર્યરત લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને આ કેન્દ્ર ઉપયોગી બની રહેશે.
નાના શહેરો અને કસબાઓમાં જેમ્સ-જ્વેલરી ઉત્પાદકો આધુનિકતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા સીએફસી સ્થાપવાની યોજના ઘડવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકારનો સહયોગ સાંપડ્યો છે. એસોસીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે અને કેન્દ્ર સરકાર ૫.૫ કરોડ રૂપિયાની આધુનિક મશીનરી ઉપલબ્ધ કરાવશે. આ યોજના દ્વારા રાજકોટ અને આસપાસના શહેરોના જ્વેલર્સોને સોના-ચાંદી અને ડાયમંડના ઘરેણાં બનાવવામાં લેસર, થ્રી-ડી જેવી ટેક્નોલોજી અને મશીનરી ઉપલબ્ધ થશે જેનો ઉપયોગ વૈશ્વિક સ્તરે થાય છે.
રાજકોટમાં સીએફસી પ્રોજેક્ટ માટે સહાયરૂપ થવા સ્થાપવામાં આવેલા ૫૦ સભ્યોના જ્વેલરી કલ્સ્ટર એસોસીએશનના પ્રમુખ દિવ્યેશ પાટડીયાએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે રાજકોટ જ્વેલરી નિર્માણનું મોટું કેન્દ્ર છે અને સીએફસીથી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે તથા વધુ રોજગારીનું સર્જન થશે.