અમરેલીઃ લોકો ઘઉંની ખરીદી વખતે હંમેશા એ વાત પર ધ્યાન આપતા હોય છે કે દાણો કસવાળો હોય અને રંગે સોનેરી હોય. જો ઘઉંમાં થોડાક દાણા પણ કાળા દેખાય તો ભાગ્યે જ કોઇ તેને ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ કોઇ તમને કહે કે સૌરાષ્ટ્રના એક ખેડૂતે કાળા જ ઘઉં ઉગાડ્યા છે તો? વાત ભલે માનવાનું મુશ્કેલ લાગે, પરંતુ હકીકત છે.
પંજાબમાં ક્યાંક ક્યાંક જરૂર કાળા રંગના ઘઉંની ખેતી થાય છે, પરંતુ ગુજરાતમાં આવા ઘઉંની ખેતી નવી છે. સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ અને નાના ઉમવાડા ગામના ખેડૂતે કાળા ઘઉં ઉગાડ્યા છે. આ પ્રયોગશીલ ખેડૂતે અડધા વીઘામાં કાળા ઘઉં વાવ્યા હતા અને ઉપજ પણ સારી મેળવી છે. સ્વાસ્થ્યના જતન-સંવર્ધન માટે ઉત્કૃષ્ટ ગણાતા આ કાળા ઘઉં માટે યોગ્ય વાતાવરણ સાથે વિશેષ કાળજી જરૂરી છે.
લોટ કાળો, રોટલી ભૂરી
આ ઘઉંનો લોટ પણ કાળો થાય છે ને રોટલી ભૂરા રંગની થાય છે. આ વિશેષ ઘઉંના વાવેતરમાં સામાન્ય કરતાં ૧૦ દિવસ વધુ પાણી આપવું પડે છે.
સામાન્ય ઘઉંમાં ૯૦ દિવસ જ્યારે કાળા ઘઉંમાં ૧૦૦ દિવસ પાણી પાવું પડે છે. આ ઉપરાંત ઉપજ પણ ૧૦ દિવસ મોડી આવતી હોવાનું ખેડૂતો જણાવે છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પ્રતિ એકર એનું ઉત્પાદન આશરે ૧૫થી ૧૮ ક્વિન્ટલ મળી શકે છે.
કાળાશનું કારણ રંગદ્રવ્ય
કાળા ઘઉંમાં એન્થોસાએનિન નામના રંગદ્રવ્ય કણો છે. સામાન્ય ઘઉં એન્થોસાએનિનનું પ્રમાણ પાંચ પીપીએમ હોય છે, પણ કાળા ઘઉંમાં તે ૧૦૦થી ૨૦૦ પીપીએમ આસપાસ છે. કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નના પ્રમાણમાં ફેરફાર હોય છે. જાંબુ અને બ્લૂ બેરી સહિતના કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે.
પોષક તત્ત્વોથી ભરપૂર
સામાન્ય ઘઉંની સરખામણીએ કાળા ઘઉં આપણા શરીર માટે લાભકારક એવા ઘણા પોષક તત્વો ધરાવે છે. કાળા ઘઉંથી પેટ સાફ રહે છે. આ ઉપરાંત હૃદયરોગ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે. કાળા ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટે, મોટાપો ઓછો થાય છે. હૃદયરોગ અટકાવવામાં તે ઉપયોગી હોવા ઉપરાંત બ્લડ પ્રેશર પણ ઓછું રહે છે. આમ આ ઘઉંથી હૃદય સ્વસ્થ રહે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. વળી, આ ઘઉં એસિડિટીથી મુક્તિ અપાવે છે. ઉપરાંત બાળકોમાં કુપોષણની સમસ્યા તેમજ કબજિયાત દૂર કરે છે. આમ પાચન સાથે સંકળાયેલા ઘણા રોગો દૂર થઈ શકે છે.