વેરાવળઃ સોમનાથ મહાદેવ મંદિરના ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં આર્થિક હિસાબો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે મંદિરની આવક રૂ. ૪૦ કરોડને પાર પહોંચી ગઈ છે. સોમનાથ મંદિરમાં શ્રાવણ માસમાં તો રૂ. ૪.૫ કરોડની આવક કરી હતી. બીજી તરફ સોમનાથ મંદિરના મુલાકાતીઓની પણ સંખ્યામાં પણ આ વર્ષે વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિરને ગત વર્ષે રૂ. ૩૫ કરોડની આવક થઈ હતી ગત વર્ષે અંદાજે ૯૦ લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં. આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છે.
અત્યાર સુધીમાં સોમનાથ મંદિરને કુલ ૧૪૭ કિલો સોનું અને ૫૦૦ કિલો ચાંદી દાનમાં મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોમનાથ મહાદેવને ૩૦ કિલો સોનું શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની વાર્ષિક આવકમાં સોમનાથ ટ્રસ્ટ હેઠળના અન્ય મંદિરોની આવક અને ગેસ્ટ હાઉસમાંથી પ્રાપ્ત આવકનો પણ સમાવેશ થાય છે. આવકની સામે સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પણ પ્રયત્નો કરે છે.