વેરાવળઃ સોમનાથમાં ૧૪મીએ કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાતા ભાવિકો ઉમટી પડયા હતા. ૬૯ વર્ષ પછી ચંદ્ર પૃથ્વીની નજીક આવતા વધુ તેજસ્વી અને મોટો દેખાયો હતો ત્યારે મધરાતે શિબિર ઉપર ચંદ્ર આવતા અનેરી આભાથી સોમનાથ શિબિર ઝળહળી ઉઠયું હતું. આ દિને કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાનું પણ સમાપન થયું હતું.
સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાના અંતિમ દિવસે માનવમેદની ઉમટી પડી હતી. લીલી પરિક્રમા પૂર્ણ કરી ભાવિકો સોમનાથ મંદિરે દર્શન કરવા તથા લોકમેળો માણવા ઉમટી પડયા હતા. કાર્તિકી પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી રાત્રીના ૧ વાગ્યા સુધી મંદિર દર્શનાર્થે ખૂલ્લું રહેતા ૧ લાખ જેટલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.