વેરાવળ: આગામી દિવસોમાં સોમનાથ રેલવે સ્ટેશને પહોંચતાં જ યાત્રાળુઓને જાણે કે સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થશે. સૂચિત નવીન સ્ટેશનની છત પર મંદિરના ઘુમ્મટ જેવી ડિઝાઇન રહેશે. આ ઉપરાંત અહીં પ્લેટફોર્મની સંખ્યા પણ વધારાશે. સાથે સાથે જ પ્રસ્થાન માટેની લોન્જ પણ વિશાળ અને સુવિધાયુક્ત બનશે. આ કામગીરી માટે 134 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પડાયું છે.
નવી દિલ્હી સ્થિત રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથના રેલવે સ્ટેશનનું આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડેશન કરવાનું નક્કી કરાયું છે. આ માટે ઓથોરિટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. સોમનાથ રેલવે સ્ટેશનના અપગ્રેડેશન પાછળ રૂ. 134 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રેલવેનાં વર્તુળોએ જણાવ્યું હતું કે સ્ટેશનનું બિલ્ડિંગ સોમનાથ મંદિરના ભવ્યાતિભવ વારસાને દર્શાવતું હશે, જેમાં ટ્રેનના આગમન અને પ્રસ્થાન માટે અલગ-અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આયોજન છે. આ ઉપરાંત ઊર્જા બચત માટે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટને અપનાવીને સોમનાથ રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. નવું સ્ટેશન આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે તેવો પ્રાથમિક અંદાજ છે.