સોમનાથઃ સરદાર સ્મારક ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૭ માટે ડો. ગૌતમભાઇ પટેલ અને વર્ષ ૨૦૧૮ માટે ડો. મણિભાઇ પ્રજાપતિને સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક અને રૂ. ૧ લાખ પુરસ્કાર એનાયત કરી તાજેતરમાં સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્કૃત ભાષાને વ્યાપક ફલક આપવા વિશ્વભરના સંસ્કૃત ભાષા અભ્યાસુઓને શોધ-સંશોધન અને તજ્જ્ઞતા માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન કેન્દ્ર બનાવવાની નેમ મુખ્ય પ્રધાને વ્યકત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું કે, સોમનાથ મંદિર રાષ્ટ્રીય ગૌરવ અને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક છે. સોમનાથ ટ્રસ્ટે તેની સ્થાપના વખતે સંસ્કૃતની સેવા અને સંવર્ધન કરવાનો નિર્ણય કર્યો હતો. તેના ઉપલક્ષ્યમાં સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત કરાઈ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીએ જણાવ્યું કે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટડીડમાં દેવભાષા અને તેના વારસાને ઉત્તેજન આપવાનો હેતુ દર્શાવેલો છે તે અંતર્ગત આ એવોર્ડ અપાઇ રહ્યો છે. આ પ્રસંગે શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યુટની નૃત્યાંગનાઓએ ‘કુમારસંભવ’ની નૃત્યનાટિકા રજૂ કરી હતી.