સોમનાથઃ હરિયાણાની સુનિતા ચોકે ‘બેટી બચાવો બેટી પઢાવો’ તથા ‘વૃક્ષો વાવો’ અંગે લોકોમાં જાગૃતિના હેતુ સાથે સોમનાથથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની સોલો સાયકલ યાત્રાનો ૧૬મી જુલાઈએ સોમનાથથી પ્રારંભ કર્યો હતો. આ યાત્રામાં તે પાંચ હજાર કિમીનું અંતર કાપીને ૨૩ ઓગસ્ટે પશુપતિનાથ પહોંચશે. સુનિતાએ યાત્રાનો શુભારંભ કર્યો ત્યારે તેનો જુસ્સો વધારવા વેરાવળ રોટરી ક્લબના સભ્યોએ પણ સોમનાથથી વેરાવળ બાયપાસ સુધી તેની સાથે સાયકલિંગ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન દરેક શહેરોમાં રોટરી ક્લબ સુનિતાને સહયોગ આપી સ્વાગત કરશે અને ધ્વજ પણ એક્સચેન્જ કરશે.
આ યાત્રા દરમિયાન સુનિતા ભારતના પાંચ અને નેપાળના બે એમ કુલ મળીને સાત રાજ્યોનું પરિભ્રમણ કરશે. હરિયાણાની સુનિતાને રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. આ અભિયાનને લિમ્કા બુકસ ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે.