પ્રભાસ પાટણઃ સોમનાથમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન યાત્રીપથનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છઠ્ઠીએ કર્યું હતું. આ તકે તેમણે સોમનાથના તમામ કળશ સુવર્ણમંડિત થશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યાં હતાં. અમિત શાહે સોમનાથની પૂજા કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થનાર રૂ. ૪૫ કરોડના ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઈના અને ૭ મીટર પહોળા યાત્રીપથનું ભૂમિપૂજન કર્યું હતું.
સોમનાથ મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરને ભૂતકાળમાં ૧૭ વખત ખંડિત કરાયું હતું, પરંતુ દરેક વખતે તેનો જિર્ણોદ્ધાર થયો છે અને પહેલાં કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંસ સામે વિકાસ અને સ્વધર્મ, સન્માન, સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પુનઃસ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યાં છે. પુરાણોમાં કહેવાયું છે કે, સોમનાથ મંદિર સુવર્ણથી મઢેલું હતું.
સૌના સહયોગથી મંદિરની પુનઃસ્થાપના સાથે મંદિરના તમામ કળશ સુવર્ણ મંડિત બનશે તેવી શ્રદ્ધા છે.