વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના ગોરમઢી ગામના ખેડૂત વજુભાઈ પરમારે હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં જ થતી રૂદ્રાક્ષની સફળ ખેતી પોતાની વાડીમાં કરી છે. તેઓ શ્રાવણ માસમાં ભાવિકોને વિનામૂલ્યે રૂદ્રાક્ષના પારા શિવજીને ચડાવવા આપે છે.
નાના બાળકની જેમ ઉછેરે છે રૂદ્રાક્ષના વૃક્ષ
વજુભાઈએ જણાવ્યું કે, રૂદ્રાક્ષના છોડની સંભાળ હું નાના બાળકની જેમ રાખું છું. મેં બાર જ્યોર્તિંલિંગના દર્શન કર્યા છે અને છેલ્લે સને ૨૦૦૪માં કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયો હતો. ત્યારે હિમાલયના ખોળે તિબેટમાં રૂદ્રાક્ષનું ઝાડ જોઈને સંકલ્પ કર્યો હતો કે પ્રભાસ પાટણમાં પણ મારા શિવમ ફાર્મમાં રૂદ્રાક્ષનાં છોડ ઉછેરીશ. તિબેટથી જ ચાર રૂદ્રાક્ષના છોડ ખરીદ્યા હતા. આ છોડોને ગીરની ભૂમિ સુધી લઈ જવાનું કામ કપરું હોવાનું તિબેટના સ્થાનિકોએ જણાવ્યું હતું, પરંતુ તિબેટથી ગોરખમઢી સુધીની ભૂમિના સફરમાં ચારેય છોડને મિનરલ બોટલનું ઠંડુ પાણી આપીને જીવંત રાખ્યા હતા. ફાર્મમાં હાલ ચમત્કારિક રીતે ચાર મોટા રૂદ્રાક્ષના ઝાડ તેની સફળતાની સાક્ષી આપતા ઊભા નજરે પડે છે. છેલ્લા દસકાથી વધુ સમયગાળામાં આ ચારેય રૂદ્રાક્ષની આસપાસ શીતળ વાતાવરણ રહે એ માટે બરફ તેમજ પાણીના માટલા તેની નજીક રાખી હિમાલય જેવું ઠંડું વાતાવરણ આપવા પ્રયાસો કરતો રહું છું.