વેરાવળ: સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે એ માટે દિલ્હીના એક સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેનનનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિએ એક મશીન મંદિરને ભેટ આપ્યું છે. સોમનાથ મહાદેવના ભક્ત અને દિલ્હીના ઉદ્યોગપતિ પ્રદિપકુમાર તનેજા પોતાની કંપનીમાં આ પ્રકારના મશીનનું ઉત્પાદન કરે છે. જેના થકી ૧ હજાર ચોરસ ફૂટ વિસ્તારને કોરોના વાયરસ મુક્ત કરી શકાય છે.
તેમણે મશીનના પ્રથમ ઉત્પાદનને દેશના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ભેટ આપવાનો સંકલ્પ કર્યો છે. જે મુજબ સોમનાથના તીર્થ પુરોહિત વિક્રાંત પાઠકના હસ્તે આ મશીન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાને આપવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં આ મશીન મંદિરના સભામંડપમાં કાર્યરત કરી દેવાશે.