સોમનાથમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે બનેલા રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા

Wednesday 27th September 2017 10:09 EDT
 
 

વેરાવળ: સોમનાથ મંદિરેથી થોડે દૂર રૂ. ૧૫ કરોડના ખર્ચે રામમંદિરનું બનારસના દાતા પરિવારના આર્થિક સહયોગથી નિર્માણ કરાયું છે.
આ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ૩૦ સપ્ટેમ્બરથી દશેરાના દિવસથી ત્રણ દિવસ સુધી ચાલશે. તેમાં ધાર્મિક, સાંસ્કૃતિક, જ્ઞાન મહોત્સવના કાર્યક્રમો યોજાશે જેમાં દેશભરમાંથી સંતો-મહંતો હાજર રહી ધર્મસભા સંબોધશે તેમજ દશેરાની સંધ્યાએ રાવણ દહન કરાશે.
આ મહોત્સવની માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાવણ સહિતના રાજાઓ માટે સોમનાથ મંદિર આસ્થાનું પ્રતીક હતું. રાવણ અને કૃષ્ણ ભગવાન શિવના દર્શને અહીં આવતા, પરંતુ શાસ્ત્રોના મતે ભગવાન રામ પણ આ ભૂમિ પર આવ્યા હતા. ભગવાન રામના પિતા દશરથ રાજાના દેહાંત પછી તેમના આત્માની શાંતિ માટે ભગવાન રામ સોમનાથ સાંનિધ્યે આવ્યા હતા અને ત્રિવેણી સંગમમાં આવી પિતૃકાર્ય કર્યું હતું જેના કારણે પ્રભાસપાટણના એક ચોકને રામરાખ ચોક તરીકે ઓળખવામાં આવે છે. હવે ટ્રસ્ટે બનારસના દાતા સરસ્વતીસિંહજી પરિવારના આર્થિક સહયોગથી અહીં રામમંદિર નિર્માણ પામ્યું છે.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે રાવણ દહન કરાશે ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક, ધર્મસભા, સત્સંગ સભા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં દેશભરના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.,
મંદિરની વિશેષતાઓ
• મંદિર નિર્માણ પાછળ રૂ. ૧૫ કરોડનો ખર્ચ કરાયો હતો.
• મંદિરનું નિર્માણ કાર્ય ત્રણ વર્ષ ચાલ્યું હતું.
• મંદિરની કુલ ઉંચાઈ ૮૮ ફૂટ, શિખરની ઊંચાઈ ૫૧ ફૂટ, મંદિરમાં સ્તંભોની સંખ્યા ૮૮, મંદિર ત્રણ શિખર અને સાત ઘુમ્મટવાળું, ધ્વજાદંડની ઉંચાઈ ૧૮ ફૂટ, મંદિરના સભાખંડનું ક્ષેત્રફળ ૪૬૦૦ ચોરસફૂટ છે.
• શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી સહિત કુલ ૩૧ મૂર્તિઓની સ્થાપના થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter