વેરાવળઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને શીશ નમાવવા દેશ વિદેશથી શિવભક્તો ઉમટી પડ્યા હતાં. સવારે ૫-૩૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૫૦ હજારથી વધુ શિવ ભક્તોએ શીશ નમાવ્યું હતું. પ્રભાસ ક્ષેત્ર હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે ગૂંજી ઊઠ્યું હતું. પ્રથમ દિવસે સોમનાથ દેવને બિલ્વશૃંગારના દર્શન યોજાયા હતા. જેને નિહાળી હજારો ભાવિકો ભાવવિભોર થયા હતા. ધ્વજા પૂજા અને બિલ્વ પૂજા કરાઈ હતી. ત્રણેય પ્રહરની આરતીમાં ભાવિકો ઊમટ્યાં હતાં.
સવારથી વરસાદ હોવાથી શિવભક્તોનો પ્રવાહ ધીમે ધીમે ચાલુ હતો. પહેલા દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રાંત મહાપૂજન સવારે ૬-૧૫થી ૭, પ્રાંત આરતી સવારે ૭, નૂતન ધ્વજા રોહણ સવારે ૮, સવાલક્ષ બિલ્વપૂજન સવારે ૮-૩૦, મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ સવારે ૮-૪૫, મધ્યાહન મહાપૂજન બપોરે ૧૧થી ૧૨, મધ્યાહન આરતી બપોરે ૧૨, શૃંગાર દર્શન સાંજે ૫થી ૯, દીપમાળા સાંજે ૬-૩૦થી ૮, સાંય આરતી સાંજે ૭, મંદિર બંધ થવાનો સમય રાત્રે ૧૦ કલાકે હતો. હજારો પૂજાવિધિઓ, તત્કાલ પૂજા તેમ જ આખા દિવસમાં ૮ ધજા ચડાવાઈ હતી. તેમજ ૫૨ સવાલક્ષ બિલ્વપૂજા નોંધાઈ હતી.
આ ઉપરાંત સૂત્રાપાડા વિસ્તારમાં ૩૦૦થી વધુ મંદિરોમાં અને શિવમંદિરોમાં પૂજાવિધિ થઈ તેમાં બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ, તપેશ્વર, બિરલા મંદિર, સૂત્રાપાડામાં સુખનાથ મહાદેવ, પ્રાચી માધવરાયજી મંદિર સહિતના મંદિરોમાં શ્રાવણ માસના પહેલા દિવસો શિવભક્તોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો.