તાલાલાઃ ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી સોમવારે બપોરે ૧ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ભૂકંપના હળવા અને ભારે મળીને કુલ ૨૨ આંચકા નોંધાયા છે. તાલાલા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અડધી રાત્રે દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા.
તાલાલા તાલુકાના મોરુકા, જશાપુર, રસૂલપરા ગામોના ઇશાન ભાગમાં થતી ભૂસ્તરીય હિલચાલથી રવિવાર રાતથી ભૂકંપના આંચકા શરૂ થયા હતા. પરોઢિયે લગભગ પોણા ચાર વાગ્યાના સુમારે તો ૩.૩ રિક્ટર સ્કેલના આંચકાથી સમગ્ર ગીર ધ્રુજી ગયું હતું. લોકોને હજુ તો આ આંચકાની કળ વળે તે પહેલા દસ જ મિનિટમાં ૩.૧ અને ૩.૨ની તીવ્રતાના બે આંચકા આવ્યા હતો. આ પછી પણ હળવા આફટર શોક ચાલુ રહ્યા હતા. આમ ૧૨ કલાકમાં કુલ ૨૨ આંચકા આવ્યા હતા. જેનું એપીસેન્ટર મોરુકા, જશાપુર, રસૂલપરા ગામ આસપાસ નોંધાયું હતું.
ભૂસ્તરીય હિલચાલ વધી
ભૂકંપના આંચકાઓથી લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે, પણ નિષ્ણાતો કહે છે કે ચિંતાનું કોઇ કારણ નથી. ગીર પંથકનાં પેટાળમાં કાળમીંઢ પથ્થરો અને ખડકો હોવાનું અગાઉના સમયમાં સામે આવ્યું હતું. ચોમાસા દરમિયાન ભૂગર્ભમાં ઉતરતું પાણી હવે શિયાળામાં પિયત માટે ખેંચાવા લાગ્યું છે. આમ ભૂગર્ભ જળ ઓછું થતાં ખડકો વચ્ચે ઘસારો વધે છે. આ ભૂસ્તરીય હિલચાલથી ભૂકંપના હળવા-ભારે આંચકા દર વર્ષે શિયાળામાં આવતા રહ્યા છે. આંચકાઓનું પ્રમાણ આ વર્ષે વધુ જરૂર છે, પણ તેની તીવ્રતા ઓછી છે.