સુરત: શહેરમાંથી સૌરાષ્ટ્ર સહિત વતન જવાની છૂટ મળી જતાં લોકો વતન તરફ જવા લાગ્યા છે. ૧૬મી મેએ અહેવાલ હતાં કે, છેલ્લાં નવ દિવસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં કુલ ૯૦૨૪ બસોમાં અંદાજે ૩.૧૫ લાખ લોકો સુરતથી ઘરભેગા થયા બાદ ૧૬મી મેથી બસોનો ફ્લો ઘટી જતાં સુરત શહેરથી સરકારી એસટીની ૩૨ સહિત ૯૫ બસો જ રવાના થઈ હતી.
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત તમામ ગુજરાતીઓને વતન જવાની છૂટ આપી હતી. જેમાં ફક્ત લક્ઝરી અને સરકારી એસટી બસમાં જ જવાની મંજૂરી અપાઈ હતી. આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ ડેપ્યુટી કલેક્ટર એમ. યુ. જાડેજાની પરમિટ આપવા માટે નિમણૂક કરાઈ હતી. આ નિમણૂક બાદ શરૂઆતથી ૯ દિવસ સુધીમાં એસટી અને લક્ઝરી મળીને કુલ ૯૮૭૨ બસોની પરમિટ ઈશ્યુ કરાઈ હતી.
જેમાંથી ૧૬મી મે સુધીમાં ૯૦૨૪ બસો રવાના થઈ ચૂકી હતી. વધુ ૮૪૮ જેટલી બસની પરમિટ ઈશ્યુ કરાઈ હતી, પરંતુ તે ઉપડી નહોતી. જેમાં એસટીની ૧૮૬ બસોનો સમાવેશ પણ થાય છે. દરમિયાન ૯ દિવસ સુધી બસોમાં વતન જવા માટે જે ધસારો જોવા મળ્યો હતો તે ઓછો થઈ ગયો હોવાનું ૧૬મીએ જણાવાયું હતું.