સુરત: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતના અબ્રામામાં ૬૦મો સમૂહલગ્નોત્સવ ૧૭મીએ યોજાયો હતો. ‘ચેતન્યોત્સવ’ નામથી યોજાયેલા લગ્નોત્સવમાં ૨૬૧ યુગલે પ્રભુતામાં પગલા પાડયાં હતાં. આત્મહત્યા અટકાવવાની જાગૃતિ થિમ સાથે આયોજિત આ સમૂહલગ્નમાં ચાંલ્લાની આશરે રૂ. ૬૧ લાખ જેટલી રકમ એકત્રિત થઈ હતી જે પુલવામામાં શહીદ ૪૪ જવાનોના પરિવારને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સમાજના અગ્રણી કાનજીભાઇ ભાલાળાએ ભારે દુઃખ સાથે કહ્યું હતું કે, જ્યારે આ સમૂહ લગ્નોત્સવની જાહેરાત કરવામાં આવી ત્યારે જ એ નક્કી કરી દેવાયું હતું કે આ સમૂહ લગ્નમાં એકત્રિત થયેલા ચાંલ્લાની રકમ સમાજના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે, પરંતુ દેશના સૈનિકોની શહીદીના સમાચાર આવતાં આ વખતે આ રકમ શહીદોના પરિવાર માટે વાપરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમૂહલગ્નની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
લાડવા પ્રસંગની રકમ શહીદોના પરિવારને
પ્રથમ બાળકના જન્મ વખતે થતી લાડવા વિધિના ખર્ચની રકમ સુરત-અમદાવાદના બે વેવાઈઓએ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોના ઉપયોગમાં આવે એ હેતુથી ૧૭મીએ સમૂહલગ્નોત્સવમાં શહીદોના પરિવારને દાન કરવાની જાહેરાત કરી હતી. સુરતના જયંતી ઠુમ્મર અને અમદાવાદના રસિક પેથાણી પરિવારે રૂ. ૨.૫૩ લાખની
રકમ શહીદોના પરિવારને અર્પણ કરી હતી.