• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોતઃ લંડનથી રાજકોટના હલેન્ડા ગામમાં સસરાને ત્યાં રોકાવા આવેલી ચાંદની અરવિંદભાઇ સાવલિયા (ઉ.વ.૨૬)નું ઘઉંમાં રાખવાના ટીકડાની ઝેરી અસરથી મૃત્યુ નીપજ્યું હતું. ઘઉં સાફ કરતા કરતા નાસ્તો કર્યા બાદ તેને ઊલટીઓ થવા લાગતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તેને ઘઉંમાં રહેલા ટીકડાની ઝેરી અસર થઇ હોવાનું મૃતકના સાસરિયાએ પોલીસને જણાવ્યું હતું.
• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણીઃ પોરબંદરનાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની ઇફકોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી થતાં સૌરાષ્ટ્રનાં સહકારી ખેડૂત અગ્રણીઓએ વરણીને આવકારી છે. એશિયાની સૌથી મોટી રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી સહકારી સંસ્થામાં કોલકતામાં મળેલી બોર્ડ મિટિંગમાં સોરાષ્ટ્રનાં ખેડૂત નેતા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં ધોરાજી જામકંડોરણા પંથકમાં વિઠ્ઠલભાઈનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું.
• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશેઃ જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા વિસ્તારની અંદાજે ૧૦ લાખની વસતીને પાણી પૂરું પાડતી યોજનાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કરીને જેતપુરમાં નીરના વધામણાં કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું કે માળિયામિયાણા પાસે રૂ. ૬૦૦ કરોડના ખર્ચે યોજના બનાવીને સૌરાષ્ટ્રના સમુદ્રના પાણીને ખારામાંથી મીઠું બનાવવામાં આવશે અને નાવડાથી ઉપલેટા સુધી નખાયેલી નર્મદા પાઈપલાઈન કુતિયાણા-રાણાવાવ સુધી લંબાવાશે.
• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોતઃ તળાજાના મણાર ગામમાં આવેલા ચેકડેમમાં ડૂબી જવાથી વિધવા માતાના બે પુત્ર ૧૦ વર્ષનાં કિશન કલ્પેશભાઇ જેતપરા ચૌહાણ અને તેના ૬ વર્ષના નાના ભાઈ નીતુનું મૃત્યુ થયું હતું. આ બંને ભાઈઓનાં પિતા કલ્પેશભાઇ હીરાભાઇ જેતપરાનું એક વર્ષ પહેલાં જ બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું.
• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્કઃ ગુજરાતમાં પણ વાઇલ્ડ લાઈફ માટે આકર્ષણ વધે તે હેતુથી રાજ્યના વનવિભાગ દ્વારા અમરેલી અને સાવરકુંડલા વચ્ચે લેપર્ડ સફારી પાર્ક બનશે. આ સફારી પાર્કમાં બસમાં બેસીને દીપડા નિહાળી શકાશે. આ ઉપરાંત આંબરડી નજીક દેવળિયામાં લાયન સફારી પાર્ક બનાવવાની પણ રાજ્ય સરકારની યોજના છે. અમરેલી-સાવરકુંડલા વચ્ચે દીપડા (લેપર્ડ) સફારી પાર્ક બનશે. આ માટે કાંક્રચ વિસ્તારની પ્રાથમિક રીતે પસંદગી કરવામાં આવી છે.