• કૂવામાં પડી જતાં બે બાળકોનાં મૃત્યુઃ ભાવનગર જિલ્લાના ગોરીયાળી ગામના વિવેક તુલસીભાઈ જાંબુચા (ઉં. ૬) અને પારસ અશ્વિનભાઈ જાંબુચા (ઉં. ૪) એમ બે બાળકોનાં ૧૫મી ડિસેમ્બરે કૂવામાં પડી જતાં મૃત્યુ નિપજ્યા હતા. બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવથી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બંને બાળકો રમતા રમતા ૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં બંને બાળકોનાં મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.
• અકસ્માતમાં માતા પુત્રી અને ભત્રીજીનાં મૃત્યુઃ લખતર નજીકના ઝાંઝમેરમાં રહેતી અને લાકડા કાપવાનું કામ કરતી મીનાબહેન મોહનભાઈ વાઘેલા અને તેની પુત્રી ભૂમિકા તથા મીનાબહેનની ભત્રીજી મનિષા લાકડા કાપવા ૧૪મી ડિસેમ્બરે રોડ ઓળંગીને જતા હતા ત્યારે સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જતી કાર પૂરઝડપે ધસી આવી હતી અને ત્રણેયને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને માતા-પુત્રી-ભત્રીજીના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. પોલીસે નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી નંબરના આધારે શોધખોળ શરૂ કરી હતી.
• અપહરણ-દુષ્કર્મનો ફરાર આરોપી ઝડપાયોઃ રાજુલાના સમઢિયાળા ગામે વાડી વિસ્તાર ખેરામાં રહેતા અને પીપાવાવ પોલીસમાં અપહરણ-દુષ્કર્મના ગુનામાં અઢી માસથી ફરાર માનસંગ સુખા ગુજરિયાને અમરેલી એસઓજી સ્ટાફે અમરેલીમાં શાક માર્કેટમાં આવેલી રાજપૂતાના હોટલ પાસેથી તાજેતરમાં સગીરા સાથે ઝડપી લીધો હતો.