જૂનાગઢ: ડ્રગ્સ માટે સેફ પેસેજ એવા કચ્છના દરિયા કાંઠેથી ગત દિવસોમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડીને મરીન તેમજ કસ્ટમ તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ડ્રગ્સ માટે એન્ટ્રી ગેટ બંધ કર્યો છે. ત્યારે ડ્રગ્સ માફીયાઓએ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે સૌરાષ્ટ્રના દરિયા કાંઠને ટાર્ગેટ કર્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી મોટા જથ્થામાં ચરસ અને ડ્રગ્સ પકડાયું છે. શુક્રવારે માંગરોળના દરિયાકાંઠેથી ચરસના વધુ 50 અને માધવપુરના દરિયાકાંઠેથી મારીજુઆનાના વધુ 15 પેકેટ મળી આવ્યા છે. માંગરોળ,પોરબંદર અને વેરાવળના દરિયાકાંઠેથી 363 કિલો ચરસ અને માધવપુરના દરિયાકાંઠેથી 36 કિલો મારીજુઆનાના પેકેટ મળ્યા છે. તો દ્વારકાના કલ્યાણપુર પાસેથઈ વધુ 2 કિલો ચરસ મળી આવ્યું છે. આ જથ્થો દરિયાઈ માર્ગે ગેરકાયદે લાવતી વખતે સુરક્ષા એજન્સીના ડરથી દરિયામાં ફેંકી દેતા દરિયાઈ પ્રવાહ સાથે દરિયાકાંઠે તણાઈ આવ્યા હોવાનું નોંધી તપાસ હાથ ધરી છે.
માંગરોળ દરિયાકિનારેથી ગત બુધવારે 39.50 કિલો ચરસ મળી આવ્યું હતું. બાદ સમગ્ર સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારમાં એલર્ટ આપીને સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. ત્યારે ત્રીજા દિવસે માંગરોળના દરિયા કિનારે વધુ ચરસના 50 પેકેટ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 90 પેકેટ મળી આવતા પોલીસ અને મરીન પોલીસ દ્વારા હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગમાં હોય શંકાસ્પદ વસ્તુ નજરે જ પડતા પોલીસ દ્વારા ચેક કરાતા ચરસ હોવાનું માલુમ પડ્યું હતું. આથી દ્વારકા પીઆઈ દ્વારા ઘટના સ્થળે પહોંચી બે કીલો જેટલા ચરસનો જથ્થો હસ્તગત કર્યો હતો.