રાજકોટ: ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા, દિવ અને પોરબંદર દરિયામાં સૌ પ્રથમ ક્રૂઝ ચાલશે. તેવું કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. તેઓએ એ પણ જણાવ્યું કે, મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રિયા ક્રૂઝે મુંબઇ અને દિવ વચ્ચે ડિસેમ્બર, ૨૦૧૯થી ક્રૂઝસેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આથી ગુજરાતી લોકોને ક્રૂઝની મજા લેવા હવે બહાર નહીં જવું પડે. મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપ સાથે ગુજરાત પણ ક્રૂઝ માટે યોગ્ય રાજ્ય છે તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયનું કહેવું છે.
ડિસેમ્બરથી આ સર્વિસ શરૂ કરવાની તૈયારી
ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં મુંબઇમાં વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગ્રિયા ક્રૂઝના પ્રતિનિધિ સાથે મનસુખ માંડવિયાની મુલાકાત થઇ હતી. તેમણે ડિસેમ્બરથી મુંબઇ અને દિવ વચ્ચે ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત હજીરા-બાંદ્રા ફેરી સર્વિસ પણ થોડા દિવસમાં શરૂ થઇ શકે છે. દહેજ અને મુંબઇ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવા માટે શિપિંગ મંત્રાલયે ખાનગી ઓપરેટરોનો સંપર્ક કર્યાનું જાણવા મળે છે.
ટૂરિસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ
દ્વારકા, સોમનાથ, પોરબંદર અને કચ્છના માંડવીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થળે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. આથી પોરબંદર, દ્વારકા, વેરાવળ, દિવ અને દમણને જોડતું ક્રૂઝ ટૂરિસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ હોવાનું માંડવિયાએ જણાવ્યું છે. રાજ્યમાં બંદરોનું નિયંત્રણ કરતા ગુજરાતના મેરિટાઇમ બોર્ડ પાંચ બંદરો પર ક્રૂઝ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગરમાં ક્રૂઝ ટર્મિનલ બનશે.
વિદેશી પ્રવાસીઓને આકર્ષવા ઈ-વિઝાની સુવિધા
વિદેશી પ્રવાસીઓને ગુજરાતના આ સ્થળે આકર્ષવા માટે શિપિંગ મંત્રાલય ઇ-વિઝા અને વિઝા ઓન અરાઇવલ સહિતની સુવિધા નક્કી કરેલા સ્થળો પર આપશે. તેમજ ક્રૂઝ પ્રવાસના માર્ગમાં આવતા તમામ બંદરો પર સિંગલ ઇ-લેન્ડિંગ કાર્ડની પણ સુવિધા હશે. આંતરરાષ્ટ્રીય સહેલાણીઓની સુવિધા માટે કસ્ટમ અને ઇમિગ્રેશનના અધિકારીઓ ક્રૂઝ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે હાજર રહેશે.