રાજકોટઃ યુરોપ સંઘમાંથી બ્રિટન બહાર નીકળી જવાનો જનમત આવી જતાં બ્રેકિઝટ ઈફેકટ તરીકે જાણીતી થયેલી આર્થિક પરિસ્થિતિની સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને પણ ભાવિમાં અસર થશે. યુરોપિયન સંઘ અને બ્રિટનમાં સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને એગ્રોકોમોડિટી, મસાલા, ઈન્ડિયન ફૂડસ્ટફ, સિરામિક, બ્રાસપાર્ટ, ઈજનેરી ઉત્પાદનોનો બહોળો વેપાર થાય છે. ખાસ કરીને નવા દેશની રચના અને નવા કાયદાઓ અને સીમાડાઓના અંકન સાથે નવી ડયૂટી અને કાયદા આવશે. એ સાથે વૈશ્વિક અસરથી પાઉન્ડ, સ્ટર્લિંગ વગેરે નબળા પડવાથી આર્થિક અસર સૌરાષ્ટ્રના નિકાસકારોને પણ થશે.
રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ અને નિકાસકાર ધનસુખ વોરાના મતે બ્રેકઝિટ ઈફેકટથી અનેક દેશોની ઇકોનોમીમાં અસ્થિરતા આવવાથી ચીજોની નિકાસ ઘટશે. પાઉન્ડ, સ્ટર્લિંગના અવમૂલ્યનથી સમતુલા ખોરવાશે. આ સાથે દરેક ભાગલા વખતે નવા દેશોની વ્યવસ્થા સ્થિર ન થાય ત્યાં સુધી આર્થિક અસમતુલાનો માહોલ રહે જેથી વ્યાપાર ઉદ્યોગને માર પડે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી એગ્રો કોમોડિટીઝમાં મુખ્યત્વે સિંગદાણા, તલ અને અન્ય જણસોની નિકાસ યુરોપિયન દેશોમાં સારી માત્રામાં થાય છે. આ ઉપરાંત ફૂડસ્ટફ, સિરામિક, જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ અને હેન્ડીક્રાફટ સહિતની નિકાસ થાય છે. આ તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિકાસકારોને બ્રેક્ઝિટની અસર થશે.
જાણીતા નિકાસકાર સુનીલ લાખાણીના જણાવ્યા મુજબ બ્રેક્ઝિટને કારણે બ્રિટનમાં નવા વેપાર નિયમો આવશે. તેમજ ડયૂટીના નવા ધોરણો લાગુ પડશે. આ કારણે સમય વધશે અને નિકાસ ડયૂટી વધારા સહિતના ખર્ચ વધશે. આ ઉપરાંત પાઉન્ડ નબળો પડવાની પણ અસર થવાની સંભાવના છે. જો કે હજુ ચિત્ર ડામાડોળ હોવાથી આપણે ધારણા જ કરી શકીએ. એક વખત સ્થિતિ સ્પષ્ટ થાય ત્યાર બાદ વાસ્તવિક ચિત્ર જાણી શકાય.
જાણીતા નિકાસકાર અરુણભાઈ ચગ કહે છે કે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ નિકાસ એગ્રો કોમોડિટીઝ, મસાલા અને ફૂડસ્ટફની થાય છે. આ નિકાસકારોને અસર થશે. જોકે તેની ભારતીય ઈકોનોમીની દૃષ્ટિએ મોટી અસર ન ગણી શકાય. વળી નવી સ્થિતિમાં પણ કામકાજ તો ચાલુ જ રહેશે. ખાસ કરીને બિનનિવાસી ભારતીયોની જરૂરિયાતો માટે થતી નિકાસને ખાસ મોટો ફરક ન પડે. પણ આવી સ્થિતિમાં નિકાસ વેપારને નુકસાન થાય તે સ્વાભાવિક છે. માત્ર મસાલા ઉદ્યોગની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી વાર્ષિક પ હજાર ટન મસાલાની નિકાસ થાય છે. એ જ રીતે સીંગદાણા અને તલની પણ મોટી નિકાસ છે. તેને થોડા વધતાં અંશે અસર ચોકકસ થશે.