રાજકોટઃ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પટેલ નેતાઓ વચ્ચેના મતભેદો વધ્યા છે. તાજેતરમાં ખોડલધામના નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે.
યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સમાજ જ લોકોને રાજકીય ટોચે બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે. સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ. સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજો. માયકાંગલાની સમાજને જરૂર નથી, આવા પોતે તો ડૂબશે પણ સમાજને પણ ડૂબાડશે. તાજેતરમાં જામનગર ખાતે રાદડિયાએ કહ્યું હતું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. હું ઘરનો જ માણસ છું. ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા નરેશ પટેલે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈ રાગદ્વેષ રાખવામાં નથી આવતો. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે.