રાજકોટ: વિશ્વમાં પ્રથમ વખત ૧૯૮૧માં એચઆઇવી-એઇડ્ઝ દેખાયો હતો. ત્યારથી છેલ્લા ૪૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા એઇડ્ઝ નામના રોગની આજદિન સુધી અકસીર દવા કે ઇલાજ શોધાયા નથી. પરિણામે દુનિયાભરમાં સાડા ત્રણ કરોડ લોકો આ ભયાવહ રોગથી ગ્રસિત થઈ તેની સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં એક કરોડ, ગુજરાતમાં અઢી લાખ અને સૌરાષ્ટ્રમાં એઇડ્ઝના ૬૦ હજારથી વધુ વાહકો છે. રાજકોટ શહેર-જિલ્લામાં ૨૪ હજાર અને સુરેન્દ્રનગરમાં બે હજારથી વધુ એચઆઇવીના દર્દી હોવાનો અંદાજ છે. એકલા રાજકોટમાં જ દર વર્ષે ૬૦૦થી વધુ નવા દર્દી ઉમેરાય છે.
આ રોગ એક વખત લાગુ પડ્યા પછી તેને નિર્મૂળ કરવાનો મેડિકલ સાયન્સ પાસે કોઈ રામબાણ ઇલાજ નથી. માટે જ તેની જાણકારી અને સલામત જાતીય સંબંધ એ જ તેનાથી બચવાનો એકમાત્ર ઇલાજ છે.
સુરેન્દ્રનગરમાં એઇડ્ઝનો જોખમી ફેલાવો
સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર મનાય છે. આ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, મોટા શહેરો સાથેના રોજિંદા સંપર્કો, બહારથી આવતા કેત મજૂરો વગેરે પરિબળો એચઆઇવી ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે.
એકલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઇવે પરની કેટલીક હોટલો, ગેસ્ટ હાઉસો આ રોગને ફેલાવવાના નિમિત્ત બની રહ્યા હોવાનું જાણવા મળે છે. આ જિલ્લામાં પુરુષ કરતા મહિલા દર્દીની સંખ્યા વધુ છે.