જૂનાગઢઃ ૨૭મીએ સવારે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતાં સૌરાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું. ત્યાર બાદ આ વાદળ છાયા વાતાવરણના કારણે ઊના, વેરાવળ, કાજલી, કોડીનાર, તાલાળા, માળિયા સહિતનાં અનેક સોરઠી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટું આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેને લઈ ખેડૂતોના શિયાળુ પાક ઘઉં, બાજરી તેમજ કેસર કેરીના આંબામાં ભારે નુકસાન થયું હોવાથી જગતના તાતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ બાદ બપોર પછી આકાશમાં વાદળો છૂટા પડતા ખુલ્લુ વાતાવરણ જોવા મળ્યું હતું.