રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અતિગરમી અને બફારા વચ્ચે ૧૧મી મેએ સાંજે જોત જોતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા સાથે રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અમરેલી પંથકમાં પણ ક્યાંક ક્યાંક વરસાદનાં છાંટા પડ્યા હતા. તોફાની પવન સાથે ખાબકેલા વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. પવનના અતિવેગના કારણે શહેરમાં હોર્ડિંગ્સ ઉડ્યા હતા. જોકે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી હતી. શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, કિસાનપરા રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજકોટના પશ્ચિમ વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે ૧૦થી ૧૫ મિનિટ સુધી ધોમધાર વરસાદ રહ્યો હતો. કાલાવડ પંથકમાં થોડો સમય કરા પડ્યા બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો. આશરે અડધોથી પોણો ઇંચ પાણી વરસી જતાં રોડ અને ખેતરોમાં પાણી વહી નીકળ્યાં હતાં.