રાજકોટ: સૌરાષ્ટ્રમાં રાજકોટ, કાલાવડ, ખાંભા, અમરેલી, જામનગર, ગીર પંથકમાં ૨૬મી એપ્રિલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ સાથે કરા પડતાં ખેતરમાં અને યાર્ડમાં આવેલા પાકને નુક્સાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઘઉં, મગફળી અને ધાણાના પાક પર પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ અંગે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગણી પણ કરી છે.
ખેતરોમાં ડૂંગળી, તલ, બાજરી જેવા પાકો તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બંને ખેતમજૂરો ઝાડ નીચે ફોનમાં વાત કરતા હતા. બંને ખેતમજૂર ઝાડ નીચે ઉભા રહી ફોનમાં વાત કરતા હતા ત્યારે ઝાડ ઉપર વીજળી પડી હતી. આથી એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. મૃતક મજૂરનું નામ સુથારસિંગ મંગલસિંગ જમરા (ઉ. વ. ૩૦) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્ય પ્રદેશનો વતની હતો.