રાજકોટઃ સૌરાષ્ટ્રના હવામાનમાં તાજેતરમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોરાજી, ખાંભા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. એના બે દિવસ પછી ૨૯મીએ પણ ભાવનગર અને અમરેલી પંથકમાં એકાએક કમોસમી વરસાદ વરસી જતાં અસહ્ય ઉકળાટ વચ્ચે ટાઢક પ્રસરી ગઈ હતી. ઉમરાળામાં સવા કલાકમાં તોફાની એક ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને ભારે નુકશાન થયું છે.
લીલીયામાં કરાનો વરસાદ
૨૯મી એપ્રિલે છૂટાછવાયા સ્થળે વાદળો બંધાવા સાથે ક્યાંય છાંટા પડવા સાથે અમરેલીના લીલીયા પંથકમાં વરસાદના ધોધમાર ઝાપટાં સાથે કરાનો વરસાદ થયો હતો. અમરેલી પંથકમાં ૨૯મી એપ્રિલે બપોરે તીવ્ર ગરમી બાદ સાંજે લીલીયા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો હતો. તીવ્ર પવન ફૂંકાતાં ધૂળની ડમરી ઊડી હતી અને કરા સાથે વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. કમોસમના આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા જન્મી છે. અગાઉ ગોંડલ, ખાંભા સહિતના વિસ્તારોમાં ૨૬મી એપ્રિલે વરસાદ વરસી ગયો હતો. ગોંડલના ગામોમાં અડધો ઇંચ પાણી ભરાયા હતા. તો ખાંભામાં વરસાદથી કેરી ખરી પડી હતી. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.