સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વાવાઝોડુંઃ ઘેઘૂર વૃક્ષ પડતાં બે બાળકોનાં મોત

Tuesday 05th May 2020 16:03 EDT
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમા ૨૯મી એપ્રિલે બપોર બાદ આવેલા વાતાવરણમાં અચાનક પલટાથી ઘટાટોપ વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદના કારણે ભરઉનાળે નદીમાં પાણી આવ્યા હતા. જયારે વૃક્ષો, વીજપોલ ધ્વસ્ત થયા હતા. સ્મશાન પણ જમીન દોસ્ત થઈ ગયું હતું. ખાંભાના અનિડામા વાડી વિસ્તારમા મકાન ઉપર વૃક્ષ પડતા બેનાં મોત થયા હતા અને એકને ગંભીર ઈજા થતા સારવારમા ખસેડાયો હતો. તેમજ જૂનાગઢ પંથકમા વરસાદના કારણે કેરીના પાકને મોટી નુકસાની પહોંચી છે. અમુક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.
ખાંભા પંથકમા બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો અને ઈંગોરાળા ભાડ, અનીડા સહિત ગામોમા વરસાદ પડયો હતો. તેમજ ભારે વરસાદના કારણે અનીડા ગામની વાડીમા રહેતા શ્રામિક પરિવારના મકાન ઉપર ૧૫૦ વર્ષ જૂનૂ પીપરનું વૃક્ષ પડતા મકાનમા રહેલા ગણપતભાઈ મોહનભાઈ ભીંડે ઉ.વ.૧૫ અને રાજન મુકેશસિંહ ભીંડે ઉ. વ. ૧૧નું મોત થયુ હતુ. તેમજ કમલથી શેખડાભાઈ ભીંડે ઉ. વ. ૩૧ને ગંભીર ઈજા થતા ખાંભા સિવિલમા ખસેડાયા હતા.
કોટડાસાંગાણીના રાજપીપળા, પાંચતલાવડા, રામોદ, રામપરા માંડવા, સાંઢવાયા સહીતના ગામોમા કમોસમી વરસાદ ખાબક્યો હતો. અને ખેતરમા કાપણી કરેલ રવી પાક, ડુંગળી, લસણ, તલ, મગ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું.
જસદણ પંથકમાં ૨૯મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો. તાલુકાના બાખલવડ, લીલાપુર, કમળાપુર, આટકોટ, ભાડલા, ગોખલાણા, માધવીપુર, ગઢડિયા સહિતના ગામડાઓમાં પણ ઝરમર વરસાદ પડયો હતો. જસદણ ગોંડલ રોડ પર મોટાદડવા નજીક કરમાળ ઈશ્વરિયા તેમજ આજુબાજુના પંથકમાં નીરણ શેરડી તલીના પાકોને નુક્સાન થવા પામ્યું છે.
ધોરાજીમાં ૨૯મીએ સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ રસ્તાઓ ભીના થયા હતા. ઉપલેટામાં સતત ગરમી અને બફરા બાદ પાંચ વાગ્યા પછી ભર ઉનાળે વરસાદી માહોલ ઉભો થયો હતો વરસાદી માહોલ અડધો કલા માં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જેતપુર શહેર તાલુકામાં ૨૯મીએ સાંજે પ વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો થતાં આકાશી વાદળો કાળા થવા લાગ્યા અને થોડી જ ક્ષણોમાં ગરમીમાંથી અચાનક ઠંડી પ્રસરી ગઈ હતી. પવનના સુસવાટા સાથે ધીમી ધારે વરસાદી ઝાપટું વરસી રહ્યું હતું.
જૂનાગઢ શહેરમાં આજે દિવસભર ૪૨.૩ ડીગ્રી તાપમાન વચ્ચે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો અને વાવાઝોડા જેવા પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી, જુનાગઢ પાસેના વડાલ, કાથરોટા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વૈશાખ માસમાં જાણે અષાઢી માહોલ છવાયો હતો, રસ્તાપર પાણી ફ્રી વળ્યા હતા, કમોસમી વરસાદના લીધે તલ, બાજરી, ડુંગળીના પાકને નુક્સાન પહોચ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter