રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. આ સંજોગોમાં વરસાદ એ જ એક માત્ર આ વિસ્તારની વિકાસનો આધાર હોય છે. આ સ્થિતિમાં વર્ષા વિજ્ઞાનનાં તજજ્ઞોએ સૌરાષ્ટ્રના વાતાવરણનાં અભ્યાસ બાદ તારણ રજૂ કરી જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે. સાત દિવસની વરસાદની હેલી જોવા મળશે. મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થશે. વર્ષે ૧૪ આની પસાર થશે.
વર્ષા વિજ્ઞાન એક અનોખું સાયન્સ છે તેમાં ખગોળવિદ્યાના આધારે આભા મંડળ, વાદળા, કસ, લિસોટા, આકાશ, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, વાયવ્ય પવનની દિશા, મેઘોરવો, મહા મહિનાનું માવઠું, દરેક વનસ્પતિ અને પંખીની બોલીના અભ્યાસના આધારે આગાહી કરાય છે. આ વર્ષા વિજ્ઞાનનો વર્તારો જણાવે છે. આ વર્ષે ત્રણ તબક્કે વાવણી થશે. શિયાળુ પાક મબલખ થશે અને મિનિ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે અને ૫૫થી ૬૦ ઈંચ વરસાદને લીધે અનેક જળાશયો છલકાઈ જશે.