ગાંધીનગરઃ ગુજરાતમાં ધાર્મિક સ્થાનોને સરકારી ગાઈડ લાઈનને અનુસરીને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાની પરવાનગી મળતાં રાજ્યમાં મોટાભાગના મંદિરો ખૂલી ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે જોકે ધાર્મિક સ્થળને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે તેનું પાલન દરેકે કરવાનું રહેશે. ધાર્મિક સ્થળે ૧૦ વર્ષથી ઓછી વયના અને ૬૫ વર્ષથી વધુ વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. આ સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં. સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ, મેડિકલ ચેકઅપ – સ્ક્રીનિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન અનિવાર્ય રહેશે.
રાજ્યમાં સોમનાથ, દ્વારકાધીશ, શામળાજી, ખેડબ્રહ્મા, ખોડલધામ, ચોટીલા, ખોડલધામ, ઉમિયાધામ મંદિરોમાં ૮મી જૂનથી ભક્તોને નિયમપાલન સાથે પ્રવેશ મળ્યો હતો. ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ૮મી જૂનથી ખૂલ્યું હતું. ગિરનાર અંબાજી મંદિરને સેનેટાઇઝ કરીને ધૂપ - આરતી થયાં હતાં. દર્શનાર્થીઓ માટે પણ સેનેટાઇઝરની વ્યવસ્થા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરાઈ છે. અહીં ૬ ફૂટના અંતરે રહીને શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. કાગવડ - ખોડલધામ મંદિરના દ્વારા પણ ભક્તો માટે ખૂલી ગયાં છે. મંદિરમાં બાળકો - વૃદ્ધોને પ્રવેશ નિષેધ છે અને મંદિરમાં પ્રસાદ - ભોજનાલય અને ચા ઘર બંધ રહેશે.
અઢી મહિને દાદાના દર્શન
અંદાજે અઢી મહિના બાદ ૮મી જૂને ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યાં હતા. વિશ્વ કોરોનાથી મુક્ત થાય તે માટે સોમનાથ મંદિરમાં ૮મી જૂને મહાપૂજા કરાઈ હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓ વહેલા સાજા થાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરાઈ હતી.
દ્વારકાધિશ મંદિરના દ્વાર ખૂલ્યાં
અનલોક – ૧.૦માં ગાઈડલાઈનના પાલન સાથે ૮મીથી દ્વારકા જગતમંદિરમાં ભક્તોને પ્રવેશ મળવો શરૂ થયો છે. મંદિરના કપાટ ભક્તો માટે ખૂલી ગયાં છે. અહીં પણ દર્શનાર્થીઓએ માસ્ક પહરવું ફરજિયાત છે. તેમજ મંદિરમાં વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં મળે.
તર્પણ વિધિ માટે દામો કુંડમાં પ્રવેશ
જૂનાગઢના દામોદર કુંડને પણ શ્રદ્ધાળુ માટે ખુલ્લો મુકાયો છે. સામાન્ય રીતે અહીં લોકો પિતૃ તર્પણ વિધિ માટે આવતા હોય છે. આ વિધિ માટે કુંડને ખોલી દેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીં પિતૃ તર્પણ વિધિ કરી શકાશે.