મોરબીઃ ગુજરાતમાં દેશનો ૭૦મો સ્વાતંત્ર્ય દિવસ મોરબી ખાતે ઉજવાયો હતો. એક સમયે આ મોરબી શ્રેષ્ઠ નગરયોજનાનું ઉદાહરણ હતું.
૧૮૭૦માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના વિવિધ દેશોની મુલાકાત લીધી હતી અને તેમાંથી પ્રેરણા લઈને મોરબીનું નગર આયોજન કર્યું હતું. તે સમયમાં આધુનિક બજારનું બાંધકામ શરૂ કરાવ્યા પછી મોરબી સ્ટેટના રાજાએ એવો નિયમ બનાવ્યો હતો કે કોઈએ મકાન બનાવવું હોય તો નક્કી કરેલા નકશા પ્રમાણે જ બનાવવું. જેથી આડેધડ બાંધકામોથી શહેરનો દેખાવ બગડે નહીં. એ પછીથી મોરબીને સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ મળી અને સ્વચ્છતા માટેય મોરબી વખણાતું હતું.
પુલના છેડે સ્પેનિશ બૂલ
૧૮૭૭માં વિકટોરિયા રાણીના શાસનના ૪૦ વર્ષ પૂરાં થયાં એ વખતે વાઘજી મહારાજને કેસર-એ-હિન્દનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેની યાદમાં મહારાજે મોરબીના પુલને પણ ‘કેસર-એ-હિન્દ’ પુલ નામ આપ્યું. આજે એ પુલ પાડાપુલ તરીકે ઓળખાય છે. જોકે પુલ અને પાડાને કશી લેવાદેવા નથી. પુલની શોભા વધારવા માટે મહારાજાએ સ્પેનિશ આખલા (બૂલ)ઓની બે કાંસાની પ્રતિમા આયાત કરીને અહીં મુકાવી હતી. સ્પેનની જગવિખ્યાત આખલાની લડાઈ જોઈને વાઘજી ઠાકોરને એ વિચાર આવ્યો હતો. પુલના છેડે હકીકતે એ બંને સ્પેનિશ આખલાની પ્રતિમા છે ત્યારથી પુલનું નામ પાડાપુલ પડી ગયું છે. એ રીતે પુલના બીજા છેડે રાજાએ પ્રિય એવા બે ઘોડા ‘રોયલ’ અને ‘ડોલર’ની પ્રતિમાઓ મુકાવી હતી.
સૌરાષ્ટ્રમાં પ્રથમ
‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’ના પહેલા ભાગમાં બળવંત જાનીએ નોંધ્યું છે કે કેટલાક પ્રજાકીય કાર્યો અને સુવિધાઓમાં મોરબી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સ્ટેટ હતું. જેમકે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન વાઘજી મહારાજ લાવ્યા હતા. એ પછી ૧૮૮૦-૮૧ના સમયમાં ઇલેક્ટ્રીસિટી અને ટેલિફોન તેમણે ફિટ કરાવ્યા હતા. ફોર્ડની જગવિખ્યાત ગણાતી મોટરકાર લાવનાર તેઓ પ્રથમ હતા. શિક્ષણનો પ્રચાર વધે એ માટે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું છાપખાનું તેમણે શરૂ કરાવ્યું હતું. ૧૮૭૮માં મોરબીમાં ‘આર્ય સુબોધ નાટક કંપની’ સ્થપાઈ હતી, જે મનોરંજનની દિશામાં પ્રથમ પગલું હતું.
બનતા રહી ગયો ‘તાજમહેલ’
મોગલ શહેનશાહ શાહજહાંએ પોતાની પ્રેમિકા મુમતાઝની યાદમાં આગ્રામાં તાજમહેલ બંધાવ્યો. તો વાઘજી મહારાજે પોતાની પ્રિયતમા મણિબાની યાદમાં ૧૯૦૩માં મણિમંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જોકે ૩૦ લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ મહેલ પૂરો થતો વાઘજી મહારાજ જોઈ શક્યા ન હતા. તેમના પછી સત્તા પર આવેલા લખદિના શાસનમાં મહેલનું બાંધકામ પુરું થયું હતું.
ગુજરાતનો પહેલો ઝૂલતો પુલ
મચ્છુના આ કાંઠે આવેલા દરબારગઢ અને સામે કાંઠે આવેલા નજરબાગ પેલેસને જોડવા માટે છેક ૧૮૭૭માં ઝૂલતો પુલ વાઘજી મહારાજે તૈયાર કરાવ્યો હતો. એ પુલ આજેય છે. અને મોરબી આવતા પ્રવાસીઓ તેની મુલાકાત લઈ શકે છે. ૨૩૦ મીટર લાંબો એને દોઢેક મીટર પહોળો પુલ ગુજરાતનો તો પહેલો ઝૂલતો પુલ હતો, પરંતુ ભારતનાય શરૂઆતી ઝૂલતા પુલ પૈકીનો એક હતો.
યુરોપમાં હોય એ બધું મોરબીમાં
યુરોપના દેશોથી અત્યંત પ્રભાવિત રાજા વાઘજીએ જે કંઈ ગમી ગયું તે મોરબીમાં ઊભું કરી દીધું હતું. તેમને પુલનો આઇડિયા ઇટાલીમાં એક પુલ જોયા પછી આવ્યો હતો. તો વળી એફિલ ટાવર જોયો એટલે મોરબીમાં એવો જ નાનો એફિલ ટાવર ઊભો કરી દીધો હતો. હાલમાં પણ એ ટાવર ઊભો છે. મોરબીની બજારમાં પ્રવેશ માટે ભવ્ય દરવાજો બનાવ્યો હતો. એ પછી તેને લીલો કલર કરી દેતાં એ સ્થળ આજે ગ્રીનચોકના નામે ઓળખાય છે.