વેરાવળ: સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરાયા ઉપરાંત સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા છે એ તમામની શોધખોળ માટેની કામગીરી પુરાતત્ત્વ વિભાગ અથવા કોઇ યુનિવર્સિટીને સોંપવામાં આવશે એવી ચર્ચા ૧૯મી જાન્યુઆરીએ થઈ હતી. ટ્રસ્ટના નવ નિયુક્ત ચેરમેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ માટેની સહમતિ દર્શાવી હતી.
સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અને ટ્રસ્ટી અમિત શાહ, જે. ડી. પરમાર, પ્રવીણ લહેરી, એલ. કે. અડવાણી, હર્ષવર્ધન નિવેટિયા સહિતના લોકો જોડાયા હતા. આ બેઠકમાં સોમનાથમાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે, સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા છે તે અંગેના સંશોધનની કામગીરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગીરી સોંપી શકે એમ છે. પુરાતત્ત્વ વિભાગને પણ કામગીરી સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. અંતે પુરાતત્ત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવત આ કામગીરીમાં સામેલ થશે તેવો બેઠકમાં નિર્ણય લેવાયો છે. પ્રભાસતીર્થ દર્શન પુસ્તક વિશ્વની દરેક ભાષામાં પ્રકાશિત થાય અને સોમનાથનો ઇતિહાસ વિશ્વના દરેક લોકો જાણતા થાય એ માટેનો મુદ્દો ઉઠાવતાં વડા પ્રધાન મોદીએ એ માટે પણ સંમતિ આપી હતી.
કુલ ૩ હજાર એકર જામીન
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ સોમનાથ મહાદેવનું મંદિર ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્તા ધરાવે છે. હાલ સોમનાથ ટ્રસ્ટ પાસે ૩ હજાર એકર જમીન અને ૬૫ નાના મોટા મંદિર આવેલા છે. ટ્રસ્ટી જે. ડી. પરમાર દ્વારા ભારતની ૧૪ ભાષામાં જે પુસ્તક કરવામાં આવ્યું છે. બેઠકમાં થયેલી ચર્ચા બાદ ટૂંક સમયમાં આ અંગે યોજના ઘડી કાઢવામાં આવશે.