રાજકોટ: સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠેર ઠેર સભા-સંવાદ કરી કોંગ્રેસમાં નવી ઊર્જા ભરી હતી. યાત્રાના અંતિમ અને ત્રીજા દિવસે ૨૭મીએ રાજકોટ તેમજ ચોટીલા, ખોડલધામ, વીરપુરની મુલાકાત રૂટમાં રાહુલે જુસ્સાભેર લોકો સમક્ષ સરકારની ટીકા કરતા કહ્યું કે વિકાસ ગાંડો થયો છે. એ જ રીતે ‘અચ્છે દિન’ તો દૂર કી બાત, ‘બૂરે દિન’ કબ જાયેંગે... એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. આ સાથે તેણે કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્વસ્થ અને સ્વચ્છ પ્રતિભાની પસંદગી કરીને મત આપજો.
રાહુલે ૨૭મીએ રાજકોટમાં સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું. રાહુલના આ રોકાણ પાછળ પાસ અગ્રણી હાર્દિક પટેલ સાથે મુલાકાત યોજાશે તેવી અટકળો હતી. રાહુલ અને હાર્દિક પટેલનું એક જ દિવસે રાજકોટમાં હોવું એ વાતને રાજકારણના રંગરાગ જાણતા લોકો યોગાનુયોગ કરતાં પૂર્વ આયોજિત કાર્યક્રમ હોવાનું માની રહ્યા હતા. જોકે એ વાતને વધુ હવા મળી નહીં અને રાહુલ હાર્દિકની મુલાકાત અંગે કંઈ સ્પષ્ટ થયું નહીં.
ચોટીલામાં મહિલાઓ સાથે બેઠક યોજી રાહુલે સવાલ કર્યો હતો કે આરએસએસમાં મહિલાઓ કેમ નથી? આ ઉપરાંત તેણે શિક્ષણ, એનજીઓ, મહિલા લોન, ગ્રામ્ય સ્તરે સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.