ગુજરાતમાં વકરેલા સ્વાઇન ફ્લૂનો ભોગ બોલિવૂડ અભિનેત્રી પણ બની છે. ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મના શૂટિંગ માટે ગોંડલ આવેલી સોનમ કપૂરને સ્વાઇન ફ્લુ થતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, પછી તેની સઘન સારવાર માટે તેને રવિવારે સવારે એર એમ્બ્યુલન્સમાં મુંબઇ લઇ જવામાં આવી હતી. જોકે, કહેવાય છે કે સોનમ મુંબઇથી રાજકોટ આવી ત્યારે જ તેની તબિયત નાદુરસ્ત હતી. તેથી સ્વાઇન ફ્લૂની શરૂઆત તેને મુંબઇમાં થઇ હોવાની પ્રબળ સંભાવના છે. સોનમને સ્વાઇન ફ્લૂ હોવાની ખબર મળતા તેની માતા સુનિતા કપૂર તરત જ રાજકોટ આવી પહોંચી હતી. મુંબઇમાં તેની સારવાર કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. બાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચોટિલા હાઇવે પર જલારામ મંદિર ખાતે થયું હતું. સલમાન ખાન, અનુપમ ખેર જેવા કલાકારોને જોવા તેમના ચાહકો ઉમટી પડ્યા હતા.
ગિરનાર આરોહણ સ્પર્ધાને ગિનેસ બુકમાં સ્થાન
વર્ષ ૧૯૭૧માં ‘ફૂલછાબ’ અખબાર દ્વારા શરૂ થયેલી ગિરનાર આરોહણ સાહસિક સ્પર્ધાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. બાદમાં આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રે બીડું ઝડપ્યું હતું. ૪ જાન્યુઆરીએ યોજાયેલી સિંગલ માઉન્ટ એસેન્ટ ઇવેન્ટને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એક પર્વત પર એક સાથે સૌથી વધુ લોકોનાં આરોહણનો રેકોર્ડ નોર્વેનાં નામે હતો. જેમાં ૯૭૨ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે ગિરનાર સ્પર્ધામાં ૨,૩૨૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૨,૧૨૨ સ્પર્ધકોએ નિયમ સમયમાં સ્પર્ધા પૂર્ણ પણ કરી હતી.
સૌરાષ્ટ્રના રેલ પ્રોજેક્ટ માટે રૂ. ૨૧૦ની ફાળવણી
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે રજૂ કરેલા કેન્દ્રીય રેલ બજેટમાં સૌરાષ્ટ્ર માટે રૂ. ૨૧૦ કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે. જેમાં સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક માટે રૂ. ૮૦ કરોડની ફાળવતા સૌરાષ્ટ્રમાં ખુશી વ્યાપી છે. છે. લાંબાગાળા પછી આ માગણીનો સ્વીકાર થયો છે. આ ઉપરાંત રાજકોટ-વેરાવળ ગેજ કન્વર્ઝન, વાંસજાળિયા ગેજ કન્વર્ઝન, શાપુર -સરડિયાના ગેજ સુધારણા તથા વેરાવળ-સોમનાથ અને સોમનાથ કોડીનારની નવી લાઈન માટે રૂ. ૫૦ કરોડની ફાળવણી થઇ છે. જયારે સુરેન્દ્રનગર- ભાવનગર, ધોળા-ઢસા-મહુવા અને પિપાવાવ સુધીના ગેજ કન્વર્ઝન અને વિસ્તૃતિકરણ માટે રૂ. ૧૦ લાખ તથા ઢસા-જેતલસર લાઈન માટે રૂ. ૮૦ કરોડની માતબર ફાળવણી કરી છે.