ભાવનગરઃ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે અભ્યાસ કરીને સ્વાતંત્ર્યની લડતમાં જોડાનારા પ્રેમશંકરભાઈ ભટ્ટનું ભાવનગરમાં નિવાસે સહજ અવસ્થામાં ૧૨મીએ ૧૦૭ વર્ષની વયે નિધન થયું હતું. ધરાસણાના સત્યાગ્રહ અને ગાંધીના પ્રથમ પંક્તિના સૈનિક તરીકે મીઠાના સત્યાગ્રહમાં જોડાઈને દીર્ઘકાલીન જેલવાસ ભોગવનારા પ્રેમભાઈ કવિ હૃદયી જ રહ્યા હતા.
‘હું નાનો તું મોટો તેવો ખ્યાલ જગતનો ખોટો’ તેવું ગુજરાતી ભાષાનું સદાબહાર ગીત આપનારા પ્રેમશંકરભાઈ ભાવનગર રાજ્યના સ્કોલર તરીકે જર્મનીમાં લેબર લોઝના સ્ટડી માટે બે વર્ષ ગયા હતા, પરંતુ દેશમાં પરત આવી ઉચ્ચ પગારે નોકરી કરવાના બદલે મહાત્મા ગાંધીની સ્વરાજ્યની કલ્પનાને સાકાર કરવા ભાવનગરમાં મજૂર વિસ્તારોમાં તેમણે બાલમંદિર શરૂ કર્યાં. આયુષ્યના ૯૬ વર્ષ સુધી શિશુવિહાર સંસ્થામાં બાળ કેળવણીમાં જ સેવા આપી હતી.