ભાવનગર: બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી પર ૮મી મેએ મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ૪ તસ્કરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા.
ઢસા ગામના સ્વામીનારાયણ ગુરુકુળમાં ૪ તસ્કરોએ ચોરીના ઇરાદે ગુરુકુળમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે સ્વામી અક્ષર પ્રકાશદાસજી જાગી ગયા અને તસ્કરોનો પ્રતિકાર કરતા ચારેયે તેમની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા. ઘાયલ સ્વામીજીને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઢસા જંકશનમાં રહેતા સત્સંગી હરિભક્ત હિતેશભાઈ ડાહ્યાભાઈ પરમારે ઢસા પોલીસ સ્ટેશનમાં સ્વામીજીને ઈજા પહોંચાડનારા ચાર તસ્કરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.
સીસીટીવી કેમેરા બંધ હાલતમાં
ઢસા જંકશનમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. ગુરુકુળમાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે, પરંતુ ઘટના બની તે સમયે સીસીટીવી કેમેરા બંધ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.