કેશોદ: કેશોદમાં આવેલા પંચાળા સ્વામીનારાયણ મંદિરનાં પૂજારી સાધુ કેશવજીવનદાસજી સ્વામી (પૂર્વ નામ સુરેશ મનસુખ વઘાસિયા) પર આરોપ છે કે તે કેશોદમાં રહેતા એક હરિભક્તની પુત્રીને ભગાડી ગયા છે. સાધુ નવમી એપ્રિલે હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા. પરંતુ હરિદ્વાર સ્વામીનારાયણ મંદિરમાંથી જાણવા મળ્યું હતું કે, તે હજી સુધી ત્યાં પહોંચ્યા જ નથી. બીજી તરફ, તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. દરમિયાન, પંચાળા ગામના અને પરિવાર સાથે કેશોદમાં રહેતા એક હરિભક્તની પુત્રી પણ ગુમ છે. પરિવારજનોએ પોલીસમાં અરજી આપી છે કે, કેશવજીવનદાસજી સ્વામી તેમની દીકરીને ભગાડીને લઈ ગયા હોવાની તેમને શંકા છે. જોકે, આ મામલે હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ અરજીના આધારે પૂજારીની શોધખોળ હાથ ધરાઈ છે. સૂત્રો કહે છે કે, પૂજારી સાધુ કેશવજીવનદાસજી ટ્રેનમાં હરિદ્વાર જવા રવાના થયો હતો, પરંતુ તે નવમી એપ્રિલના રોજ હરિદ્વાર કહીને જબલપુર એક્સપ્રેસમાં બેસીને નીકળ્યો હતો. તેથી યુવતી પણ બાદમાં તેની સાથે જ પલાયન થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. તેમજ આ યુવતી સાધુના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ, ફરાર સ્વામી આ પહેલા અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે.