અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક નાગરિકને તેમના નિવાસસ્થાનથી બે કિ.મી.ની અંદર મતદાનમથક મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિયમ છે. સ્થિતિ એવી થાય છે કે, કેટલીકવાર બે કિ.મી.ની ત્રિજ્યામાં કોઇ સરકારી કે ખાનગી ઇમારત ન હોય તો ચૂંટણી પંચ દ્વારા ખુલ્લા ખેતર કે મેદાનમાં પણ મતદાનમથકો ઊભા કરવામાં આવે છે પણ ગુજરાતના દ્વારકામાં બેટ દ્વારકામાં આવેલા હજાડ (અજાડ) ટાપુ ઉપર મતદાનમથક ઊભું કરવામાં આવે છે.
આ એકમાત્ર જગ્યા છે જ્યાં ટાપુ ઉપર મતદાન મથક ઊભું કરવામાં આવે છે. સ્થિતિ એવી છે કે, મતદાનના દિવસ અને તેની પહેલાનાં દિવસે ઇવીએમ મશીન સહિત સ્ટાફને પણ અહીં પહોંચવા માટે બોટનો ઉપયોગ કરવો પડે છે. અહીં માત્ર ૮૦થી ૯૦ મતદારો છે જેઓના માટે ટાપુ ઉપર મતદાન મથક ઊભું થાય છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રોફા ગામમાં એકમાત્ર મહિલા મતદાનમથક ઊભું થાય છે. રાજ્યમાં આ એકમાત્ર મહિલા મતદાનમથક હશે જ્યાં માત્ર મહિલા મતદારોને મત આપવાની વ્યવસ્થા થશે. એટલે કે, સત્તાવાર રીતે માત્ર મહિલા મતદારો માટે મતદાન મથક હશે. ભારતીય ચૂંટણી પંચનો આશય એવો છે કે, વધુ મહિલા મતદારો વોટ કરવા આવે તેથી આ વ્યવસ્થા વિચારાઈ છે.
આની પાછળનું કારણ એવું પણ કહેવાય છે કે, આ જિલ્લાના ગામોમાં વર્ષોથી કેટલીક જ્ઞાતિઓમાં લાજ કાઢવાની પ્રથા અમલી હતી જેથી કેટલી મહિલાઓ પરપુરૂષને મોં દેખાડવા ઉપર પ્રતિબંધ હતો જેના કારણે મહિલાઓ વોટ કરવા આવતી નહોતી જેથી ખાસ આવી મહિલાઓ માટે મહિલા મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું. જે વ્યવસ્થા આજે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ચાલી રહી છે.