ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા તલગાજરડામાં ગત સપ્તાહે પૂ. મોરારીબાપુ દ્વારા વાર્ષિક અસ્મિતા પર્વનું આયોજન થયું હતું. જેમાં પર્વના અંતિમ દિને મોરારીબાપુ દ્વારા ફિલ્મ કલાકાર આશા પારેખ, હેલન, જિતેન્દ્ર અને ટીવી કલાકાર ઘનશ્યામ નાયક, અંજન શ્રીવાસ્તવ, સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનને હનુમંત એવોર્ડ એનાયત થયા હતા.
તાલાળામાં કેસર કેરીના ૯૦ ટકા પાકને નુકસાનઃ તાલાળા (ગીર) પંથકમાં ૧૨ હજાર હેક્ટર ખેતીની જમીનમાં પથરાયેલા કેસર કેરીના આંબા ઉપર ૯૦ ટકા પાક અનુકૂળ આબોહવાના અભાવે તથા બે વખતના કમોસમી વરસાદને કારણે નાશ પામ્યો છે. આથી તરંત કેરીના પાકનો સર્વે કરાવી, કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને જરૂરી વળતર ચૂકવવા માંગણી સાથે ગત સપ્તાહે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.
પીપાવાવ પોર્ટ પાસે ઓમાનનું જહાજ ડૂબ્યુંઃ અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક સમુદ્રમાં ૧૦ નોટિકલ માઇલ દૂર અને ગોપનાથ પાસે ગત સપ્તાહે એક જહાજ ડૂબી ગયું હતું. ઓમાનના અબ્દુલ્લા નામના જહાજમાં ૧૭ ક્રૂ મેમ્બર હતા. જેને સુરક્ષા દળોએ બચાવી લીધા હતા. આ માલવાહક જહાજને તોડવા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ લઈ જવાતું હતું ત્યારે આ ઘટના બની હતી.