જૂનાગઢ,ઃ ગિરિવરની ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે રવિવારે સવારે સાધુ-સંતો અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો હતો. કોરોનાના લીધે લોકોને સોનાપુર નજીકથી જ ભવનાથ તરફ જવા પ્રવેશબંધી કરાઈ છે. તેમજ જે સેવકો, સ્વયંસેવકોને પાસ ઇસ્યુ થયા છે તેઓને પણ ટેમ્પરેચર ગનથી ચેકિંગ બાદ પ્રવેશ અપાયો હતો.
રવિવારે મહા વદ નોમ નિમિત્તે ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતો-મહંતો, કલેક્ટર, એસપી, મેયર સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે હર-હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતો માટે મહાશિવરાત્રી મેળો શરૂ થયો હતો.
ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ શ્રી પંચદશનામ જૂના અખાડા, આવાહન અખાડા, અને અગ્નિ અખાડા વિવિધ આશ્રમો અને જગ્યાઓ ખાતે ધ્વજારોહણ થયું હતું. આ વખતે કોરોનાના લીધે માત્ર સાધુ-સંતો માટે જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે મેળો શરૂ થતાં સોનાપુર ખાતે ઊભી કરાયેલી ચેક પોસ્ટ ખાતેથી જ પોલીસ દ્વારા લોકોને ભવનાથ તરફ જવા પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે.