ભૂજઃ મૂળ માંડવીના હરીશભાઈ જોષી મહારાષ્ટ્રના ગોદિયામાંથી વ્યાવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઈ અને વિદેશ વસવાટ માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા પાંસઠ વર્ષથી તેમણે દેશ વિદેશના અમૂલ્ય સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને ફર્સ્ટ ડે કવર્સનો વિશાળ સંગ્રહ કર્યો હતો. શોખથી કરેલું આ તમામ કલેક્શન વિદેશ જતાં પહેલાં તેમણે પ્રાગમહેલ મ્યુઝિયમને પહેલી એપ્રિલે અર્પણ કર્યું હતું. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાએ આ કલેક્શન સ્વીકાર્યું હતું.
એમ. એમ. કચ્છ બેનીવોલન્ટ ટ્રસ્ટ દ્વારા આ અર્પણ સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે હરીશભાઈ જોષીના પત્ની ડો. શોભનાબેન પણ હાજર રહ્યા હતા. હરીશભાઈ જોષીનું પ્રાગમલજી ત્રીજાએ કચ્છી પાઘ પહેરાવી પરંપરાગત સન્માન કર્યું હતું.