રાજકોટઃ અત્યાર સુધી પિચકારી, પતંગ અને સાડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા હતા. આ વખતે રાજકોટમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી અને બીજેપીના લોગાવાળી ૫ હજાર જેટલી સોના-ચાંદીની વીંટી રાજકોટમાં બની છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મુંબઇ, સેન્ટ્રલ ઈન્ડિયા સહિત ભારતભરમાં આ પ્રકારની વીંટીની ડિમાન્ડ છે. ચાંદીમાં ૪થી ૬ ગ્રામ અને સોનામાં ૨થી ૬ ગ્રામ સુધીની વીંટી તૈયાર થઇ છે. ભારતભરમાંથી ઉદ્યોગપતિ, વેપારીઓ અને લોકોએ ખાસ ઓર્ડર દીધા છે. રાજકોટની તન્વી ગોલ્ડ કાસ્ટ નામની પેઢીને આ ખાસ ઓર્ડર દેવામાં આવ્યો છે. પહેલા કુલ ૬ પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી લોકોએ ૩ પ્રકારની ડિઝાઈન પર પોતાની પસંદગી ઉતારી હતી. સોનાની વીંટીની કિંમત ૧૬ હજારથી લઈને ૨૫ હજાર સુધીની છે, જ્યારે ચાંદીની વીંટીની કિંમત રૂ. ૧ હજારથી લઈને રૂ. ૧૫૦૦ સુધીની છે. રાજકોટમાં ક્રિકેટની ટ્રોફી પણ તૈયાર થઈ છે અને બોલિવૂડ કલાકારો ખાસ ઓર્ડર દઈને પોતાની જ્વેલરી અહીં બનાવડાવે છે.
તન્વી ગોલ્ડ કાસ્ટ એલએલપીના ચેરમેન બિપીનભાઈ વિરડિયા કહે છે કે, સ્કેચથી લઈને ઘડામણ અહીં જ થયું છે. મોદીના ફોટાવાળી અને બીજેપીના લોગાવાળી વીંટી માટે ખાસ ઓર્ડર આવ્યો હતો. એક વીંટીનો સ્કેચ બનાવવાથી લઈને ઘડામણ સુધીની તમામ કામગીરી અહીં થઇ છે. એક વીંટીની ડિઝાઈન તૈયાર કરવામાં ૪૮ કલાક જેટલો સમય લાગ્યો છે.