સાવરકુંડલાઃ સાવરકુંડલાના હાથસણી ગામમાં ૧૮મી ડિસેમ્બરે સિંહે પાંચ ગાયોનું મારણ કર્યાના સમાચાર મળ્યા હતા. હાથસણીના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દીપડાને દૂર કરવા વન વિભાગને રજૂઆત કરી હતી. આ રજૂઆતના બીજા જ દિવસે ૧૮મીએ સિંહે ગામમાં ઘૂસી પાંચ ગાયોનું મારણ કર્યું છે. ખેડૂતો વન્ય પ્રાણીઓના ડરથી વાડી ખેતરમાં જઈ શકતા નથી. વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. હાલ હાથસણી ગામની નજીક કેટલાય દિવસથી વન્ય પ્રાણીઓના આંટા વધી ગયા છે. આ પરિસ્થિતિમાં જો અહી પણ બગસરાના લુંઘીયા અને મુંજીયાસર જેવી ઘટના સર્જાશે તો એ જવાબદારી કોની? તે સવાલ ઊઠી રહ્યો છે. અહી ગામની સીમમાં રાત્રે રખોપું કરવા જતા ખેડૂતોની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓના કારણે ગ્રામજનોને નુક્સાની ભોગવવી પડી રહ્યાનું પણ જણાવાઈ રહ્યું છે. વન વિભાગ ક્યારે પોતાની જવાબદારી સ્વીકારશે તેવા પ્રશ્નો પણ થયાં છે. ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે, અમારી માંગણી ઝડપથી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું.