હળવદઃ હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષાના માર્ગમાં સરળતા રહે એ માટે હળવદની સરકારી શાળાનું સ્વ ખર્ચે નિર્માણ કરાવ્યું છે. વેલેન્ટાઈન ડે પૂર્વે પત્ની નીતાબહેનના જન્મદિન ૯મી ફેબ્રુઆરીએ શાળાનું લોકાર્પણ કરાયું છે. આ શાળાને જગદીશભાઈનાં પત્ની નીતાબહેનનું નામ અપાયું છે. વેલેન્ટાઈન ડે પૂર્વે તેમણે પત્નીના જન્મદિવસની આ રીતે અનોખી ઉજવણી કરી હતી.
જિંદગીના પચાસ વર્ષ પૂરા કરીને અર્થોપાર્જનનો ત્યાગ કરનાર ડો. જગદીશ ત્રિવેદીએ આ સરકારી પ્રાથમિક શાળા પાયામાંથી નવી બનાવડાવી છે. શાળાના ઉદ્દઘાટક અને એસજીવીપી સંસ્થા-અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયસ્વામીજીએ જણાવ્યું હતું કે, જગદીશ ઊજળો અને વાનપ્રસ્થ માણસ છે. આ સમારંભના મુખ્ય અતિથિ તેમજ વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે, મને કોઈ પૂછે કે હાસ્યક્ષેત્રમાં આપનું શું પ્રદાન છે? તો હું ગૌરવથી કહીશ કે જગદીશ ત્રિવેદી મારું પ્રદાન છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રખ્યાત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું કે, જગદીશ ત્રિવેદી સામાન્ય માણસમાંથી ઉદાર સમાજસેવક થયો એ વિકાસ અભિનંદનીય છે.
ડો. જગદીશ ત્રિવેદીએ આ ઐતિહાસિક શાળા વિશે માહિતી આપતાં કહ્યું કે, આ શાળા ૧૫૬ વર્ષ પહેલાં હળવદના રાજવી રણમલસિંહજીએ પોતાના દરબારગઢમાં ૨૦મી ફેબ્રુઆરીએ શરૂ કરી હતી. એ પછી ૧૬-૬-૧૯૫૬માં તત્કાલીન ધારાસભ્ય લાભશંકર મગનલાલ શુક્લ તરફથી જમીનનું દાન મળતાં સરકારે શાળા બનાવી હતી. તેનું ભૂમિપૂજન ભૂદાનયજ્ઞનાં પ્રણેતા મહાત્મા વિનોબાજીએ કર્યું હતું. આ શાળાના પટાંગણમાં હળવદ તાલુકાનાં તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ નામ સાથેનો સ્મૃતિસ્તંભ પણ વરસોથી
ઊભો છે.