રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા બે પ્રજાતિના અશ્વોના સંવર્ધન અને ઉછેર માટે અશ્વ સંવર્ધન ફાર્મ જૂનાગઢ અને ઇણાજમાં ચાલી રહ્યાં છે. અહીં બે જગ્યાએ કાઠિયાવાડી અશ્વોના ઉછેરનાં ફાર્મ છે જ્યારે ચાણસ્મામાં મારવાડી અશ્વોનું ઉછેર કેન્દ્ર ચાલે છે. હવે રાજ્ય સરકારે હિંગોળગઢમાં આધુનિક સુવિધાથી સજ્જ કાઠિયાવાડી અશ્વોના ઉછેર, સંવર્ધન માટે નવું હોર્સ ફાર્મ બનાવ્યું છે અને જૂનાગઢમાં કાર્યરત હોર્સ ફાર્મ હવે હિંગોળગઢ ફેરવાઈ જશે. હિંગોળગઢના અશ્વ ઉછેર કેન્દ્રનું ૨૭મીએ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી લોકાર્પણની જાહેરાત કરાઈ હતી.
હિંગોળગઢના અશ્વ ઉછેર કેન્દ્ર વિશે વિગતો આપતાં પશુપાલન વિભાગે જણાવ્યું કે, હિંગોળગઢનું અશ્વ ઉછેર કેન્દ્ર પ્રતાપવાડી નામથી ઓઠળખાતી જગ્યાએ ૧૧.૩૮ એકરમાં બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રૂ. ૧૦.૪૩ કરોડ આ માટે મંજૂર કર્યાં હતાં, પણ રૂ. ૬ કરોડમાં આ હોર્સ ફાર્મ બની ગયું છે. હિંગોળગઢમાં બનેલા અશ્વ ઉછેર કેન્દ્રમાં ૭૦ તબેલા છે. જેમાં ૩૮ તબેલા માદા અશ્વો માટે, ૧૦ તબેલા નર અશ્વો માટે અને ૧૭ તબેલા નાનાં બચ્ચાં માટે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બહારથી આવતા બીમાર અશ્વો માટે પાંચ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, તબેલામાં નીરણ માટે ગમાણ તથા દરેક અશ્વને ૨૪ કલાક પાણી મળી રહે તે માટે પાણીની કૂંડીની વ્યવસ્થા છે. દરેક તબેલામાં ટ્યૂબલાઇટ-પંખાની વ્યવસ્થા પણ છે. આખા ફોર્મની વચ્ચોવચ્ચ બે માળની આધુનિક ઓફિસ છે. અહીં કન્ટ્રોલરૂમ છે. અશ્વ ઉછેર કેન્દ્રમાં સીસીટીવી પણ છે, જેના દ્વારા ઓફિસના કંટ્રોલરૂમમાંથી ફોર્મ ઉપર સીધી દેખરેખ રાખી શકાય. હિંગોળગઢમાં અને અન્ય બે જગ્યાએ મળીને ૭૦ એકર જમીન છે, જેમાં પૂરતો ઘાસચારો ઉગાડી અશ્વોને ખોરાક પૂરો પાડવામાં આવશે. આ અશ્વ ઉછેર કેન્દ્રનો મુખ્ય હેતુ કાઠિયાવાડી ઓલાદના અશ્વોની સંખ્યા વધે તેવો છે.